Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગરીબ મહિલા સારવાર માટે તરફડતી રહી પરંતુ સરકારની આરોગ્ય યોજનાને કોઇ હોસ્પિટલે દાદ ન આપતા મોત : ભુજના તબીબો સામે ફોજદારીની માંગ

ભુજ તા. ૧૭ : આ કિસ્સો માર્ગ અકસ્માતનો ભોગ બનેલી ૪૫ વર્ષીય લાલસરા વિષ્ણુ બહાદુર નામનીઙ્ગ મહિલાનો છે. તેની સારવાર દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ ચોંકાવનારા આક્ષેપો સાથે અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ તેમ જ એકોર્ડ હોસ્પિટલ દ્વારા માનવતાઙ્ગ વિહોણુ વર્તન કરાયું હોઈ મહિલાઙ્ગ દર્દીનું મોત નીપજયું હોવાનો આક્ષેપ કરી બન્ને હોસ્પિટલોના જવાબદાર તબીબો વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે.

જોકે, આ આખોયે કિસ્સો હૃદયદ્રાવક છે, ગાંધીધામમાં ચોકીદારી કરતા ગરીબ એવા વિષ્ણુ બહાદુરની પત્ની લાલસરાને ગત તારીખ ૯/૫/૧૯ ના ઇફકો કોલોની પાસે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ગંભીર ઇજાગ્રસ્ત થયેલ લાલસરા વિષ્ણુ બહાદુરને પહેલા ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પણ, ગુજરાતના આર્થિક સમૃદ્ઘ ગણાતા એવા ઔદ્યોગિક શહેર ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં અકસ્માત સમયે ઇમરજન્સી સારવાર આપી શકાય તેવું ટ્રોમા સેન્ટર કે નિષ્ણાત તબીબો, સાધનો નથી એટલે ઇજાગ્રસ્ત લાલસરા બહાદુરને ભુજની અદાણી જી.કે. જનરલમાં વધુ સારવાર માટે ખસેડવાની તેના પરિવારને ફરજ પડી. કોંગ્રેસના અગ્રણી રફીક મારા કહે છે કે, નેપાળી મહિલા લાલસરાની કમનસીબી કે પછી કચ્છના કમનસીબ સમજો તો મેડિકલ કોલેજ ધરાવતી જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. માં ન્યુરો સર્જન નથી. એટલે ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી એકોર્ડ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ મળી. ત્યાં પણ તેની કમનસીબી ચાલુ રહી હોય તેમ ૧૦ હજાર રૂપિયા સારવાર માટે એડવાન્સમાં લઈ લેવાયા બાદ ફરી તે મહિલાને અદાણી જી.કે.માં લઇ જવા કહી દેવાયું. પણ, અદાણી જી.કે. માંથી ન્યુરો સર્જનની સારવાર માટે આઇસીયુ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની સલાહ અપાઈ. પણ, એક તો ગરીબી અને ઉપરથી ગંભીર બીમારી બન્ને ભેગા થયા હોઈ મૂંઝવણ ઘટવાને બદલે ઓર વધી.

અમદાવાદ આઇસીયુ એમ્બ્યુલન્સ નું ભાડું ૨૦ હજાર રૂપિયા ચૂકવવાનું અદાણી જી.કે. દ્વારા જણાવાયું. પણ, આ ગરીબ પરિવાર પાસે પૈસા જ નહોતા, અંતે માંડ માંડ અદાણી જીકે દ્વારા એમ્બ્યુલન્સ તો અપાઈ અને તે નેપાળી મહિલા અમદાવાદ પણ પહોંચી પરંતુ, તેની જીવનરેખા ગરીબી સામે અને હોસ્પિટલના ચક્કર કાપવામાં જ હારી ગઈ અને તેનું મૃત્યુ નીપજયું.

આ કિસ્સામાં તે ગરીબ મહિલાની સારવાર માટે શરૂઆતથી જ મદદ કરનાર રાજકીય અગ્રણી રફીક મારાની વાત માનીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે જોઙ્ગ મહિલા દર્દી લાલસરા બહાદુર જો ૧૨ કલાક વહેલા પહોંચી આવ્યા હોત તો તેમનું ઓપરેશન થઈ શકયું હોત. ઓન, કમનસીબે ગરીબી અને હોસ્પિટલોના ચક્કર સામે જિંદગી હારી ગઈ,અને પાંચ પાંચ સંતાનોએ પોતાની માતા ગુમાવી. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારા સાથે અન્ય કોંગ્રેસી આગેવાનોએ ડીએસપી સમક્ષ અદાણી જી.કે. તેમ જ એકોર્ડ હોસ્પિટલ ના જવાબદાર તબીબોને એક મહિલાના મોત માટે જવાબદાર ઠેરવીને હત્યાની કલમો તળે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે અને જરૂર પડ્યે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.ઙ્ગ

ચૂંટણીના માહોલ વચ્ચે પીએમ મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના અને રૂપાણી સરકારની મા અમૃતમ યોજના અને ટ્રોમા સેન્ટરમાં અકસ્માત દરમ્યાન રૂપિયા ૫૦ હજાર સુધીની રકમ સુધી ઇમરજન્સી સારવાર આપવાની યોજનાઓનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. પણ, ભુજમાં બનેલા એક ગરીબ મહિલાના મોતના કિસ્સામાં કચ્છની બે જાણીતી હોસ્પિટલો દ્વારા દર્દીના પરિવાર પાસેથી પૈસાની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ સરકાર સામે સવાલો ખડા કર્યા છે.

(11:39 am IST)