Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જસદણમાં પરપુરૂષને કારણે દયા સળગી મરીઃ પરિવારના પાંચ દાઝયા

કેટરર્સમાં સાથે કામ કરતાં રાજસ્થાની શખ્સ સાથે ફોનમાં વાત કરતી હોઇ પતિએ ઠપકો આપતાં જાત જલાવી લીધીઃ દયા સળગતી હાલતમાં પુત્રી કાવ્યા (ઉ. ૬) અને ભાણેજ જ્હાન્વી (ઉ. ૩) ઉપર પડતાં આ બંને બાળકી અને આગ બુઝાવવા જતાં પતિ વિપુલ ભેંસજાળીયા, સસરા પાંચાભાઇ (પરષોત્તમભાઇ) અને નણંદ આરતીબેન પણ દાઝી ગયાઃ કોળી પરિણીતા દયાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારનો માળો વેરણછેરણ

દયાનો નિષ્પ્રાણ દેહ તથા તે સળગતી હાલતમાં માથે પડતાં દાઝેલી તેની દિકરી કાવ્યા અને ભાણેજ જ્હાન્વી તેમજ આગ બુઝાવતા દાઝેલો પતિ વિપુલ, સસરા પાંચાભાઇ અને નણંદ આરતીબેન જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: જસદણમાં રહેતી કોળી પરિણીતાએ કેટરર્સમાં સાથે કામ કરતાં મુળ રાજસ્થાનના અને હાલ આટકોટ રહેતાં શખ્સને કારણે પોતાની જિંદગીનો અંત આણી લીધો છે. તેણી  આ પરપુરૂષ સાથે ફોનમાં વાતો કરતી હોઇ પતિને ખબર પડી જતાં આ બાબતે ઠપકો મળતાં રાત્રીના અગ્નિસ્નાન કરી લીધું હતું. સળગતી હાલતમાં તે રૂમમાં સુતેલી પોતાની ૬ વર્ષની પુત્રી અને ૩ વર્ષની ભાણેજ પર પડતાં આ બંને બાળકી પણ દાઝી ગઇ હતી. તેમજ ઠારવા જતાં તેણીનો પતિ, સસરા અને નણંદ પણ દાઝી જતાં તમામને રાજકોટ ખસેડાયા હતાં. અહિ આ પરિણીતાનું મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

ચર્ચા જગાવતી આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ જસદણમાં પાવર હાઉસ સામે રહેતી દયા વિપુલ ભેંસજાળીયા (ઉ.૨૫) નામની કોળી પરિણીતાએ રાત્રીના સાડા નવેક વાગ્યે પરિવારના બીજા સભ્યો બહાર ફળીયામાં બેઠા હતાં તે વખતે રૂમમાં શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ભડકો થયો હતો. સળગતી હાલતમાં તે રૂમમાં સુતેલી બે બાળકી પુત્રી કાવ્યા વિપુલ ભેંસજાળીયા (ઉ.૬) અને ભાણેજ જ્હાન્વી રણજીત ધાધલ (ઉ.૩) ઉપર પડતાં આ બાળકીઓ પણ દાઝી ગઇ હતી.

ભડકો થતાં અને ચીસાચીસ થતાં ફળીયામાંથી પતિ વિપુલ પાંચાભાઇ ભેંસજાળીયા (ઉ.૨૭), સસરા પાંચાભાઇ ઉર્ફ પરષોત્તમભાઇ સવશીભાઇ ભેંસજાળીયા (ઉ.૭૫) અને નણંદ આરતીબેન રણજીતભાઇ ધાધલ (ઉ.૨૫) બચાવવા માટે રૂમમાં દોડી આવતાં આગ ઓલવતી વખતે આ ત્રણેય પણ હાથ-મોઢા-શરીરે દાઝી જતાં દયા સહિત છએયને જસદણ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અહિ દયા, તેની પુત્રી કાવ્યા, ભાણેજ જ્હાન્વી અને સસરા પાંચાભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે તેણીના પતિ વિપુલ અને નણંદ આરતીબેનને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જો કે સારવાર દરમિયાન દયાએ મોડી રાત્રે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે જસદણ પોલીસને જાણ કરી હતી. ઘટના બારામાં દયાના પતિ વિપુલ ભેંસજાળીયાએ જણાવ્યું હતું કે, 'મારી પત્નિ દયા દોઢેક  મહિનાથી કેટરર્સમાં કામે જતી હતી. તેણીને સાથે કામ કરતાં આટકોટ રહેતાં રાજસ્થાની શખ્સ સાથે પરિચય થતાં બંને એક બીજા સાથે મોબાઇલ ફોનમાં વાતો કરતાં હતાં. એક વખત મેં તેને રંગેહાથ પકડી લીધી હતી, તેમાં રાજસ્થાની શખ્સનો ફોટો પણ હોઇ મેં જે તે વખતે મોબાઇલ ફોન જ તોડી નાંખ્યો હતો. પરંતુ ફરીથી તેની પાસે કોઇપણ રીતે મોબાઇલ આવી ગયો હતો. જેનાથી હું અજાણ હતો. આ મોબાઇલ કોણે આપ્યો તે ખબર નથી. પણ તે ફરીથી રાજસ્થાની શખ્સ સાથે વાતો કરતી હોઇ મને ખબર પડી જતાં ગઇકાલે ફરીથી તેને ઠપકો આપી બધુ મુકી દેવા સમજાવી હતી.'

વિપુલે આગળ કહ્યું હતું કે, 'મારી બહેન આરતી જસદણમાં જ સાસરે હોઇ તે તેની દિકરી જ્હાન્વીને લઇ સાંજે ઘરે બેસવા આવી હતી. હું, મારા બાપુજી, બહેન સહિતના ફળીયામાં બેઠા હતાં ત્યારે દયા રૂમમાં હતી અને તેણે અગ્નિસ્નાન કરી લીધું હતું. મેં તેને મોબાઇલમાં વાત કરવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેણે આ પગલું ભર્યુ હતું.'

દયાના મોતથી ૩ વર્ષનો પુત્ર વંશ અને ૬ વર્ષની પુત્રી કાવ્યા મા વિહોણા થઇ ગયા છે. પતિ વિપુલ સિલાઇ મશીનના બોબીન બનાવવાનું મજૂરી કામ કરે છે. દયાના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. તેના પિતા હયાત નથી. માતા મુકતાબેન કાળુભાઇ મકવાણા લાઠી રહે છે. બનાવની જાણ થતાં તે પણ રાજકોટ પહોંચી ગયા હતાં. જમાઇ કે દિકરીના સાસરિયા સામે પોતાને કોઇ ફરિયાદ નહિ હોવાનું તેણે જણાવ્યું હતું. જસદણ પોલીસે આ બનાવ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

પારકા પુરૂષ સાથેના લફરાને કારણે દયાએ કરેલી ભુલમાં પરિવારનો હર્યોભર્યો માળો વેરવિખેર થઇ જતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:35 am IST)