Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમિતભાઇનો સોમનાથ મહાદેવના દર્શનનો કાર્યક્રમ રદઃ હવે કાલે આવશે

રવિવારે ચૂંટણીનો છેલ્લો તબક્કો છે તે પૂર્વે વર્ષોની પરંપરા મુજબ પ્રથમ જયોર્તિલીંગને શીશ ઝુકાવશે

વેરાવળ, તા.,૧૭: શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ બપોરે ૨ વાગ્યે પહોંચનાર હતા પરંતુ અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે તેઓ આવતીકાલે શનિવારે સોમનાથ મહાદેવના દર્શને આવશે તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ અકિલાને જણાવ્યું હતું.

વિજયસિંહ ચાવડાએ જણાવ્યંુ હતું કે આજનો કાર્યક્રમ રદ થયો છે. હવે તેઓ આવતીકાલે સવારે આવી રહયા છે તેનો સતાવાર કાર્યક્રમ  આજે સાંજ સુધીમાં જાહેર થઇ જશે. 

શ્રી સોમનાથ મહાદેવના પૂજા અને દર્શનાર્થે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ આજે  આવી રહ્યા હતા  તેના આગમનને લઇને સોમનાથ ટ્રસ્ટ અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ હતી અને પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. પરંતુ અચાનક કાર્યક્રમ રદ થયો હતો.

 ઉલ્લેખનીય  એ છે કે દેશમાં કે રાજયમાં ચૂંટણી પૂર્ણ થયા  બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના શરણે અચૂક આવે છે. આ પરંપરા મુજબ રવિવારે ચૂંટણીનો છેલ્લો તબક્કો છે. તે પૂર્વે સોમનાથના મહાદેવના આર્શિવાદ માટે તેઓ આજે આવનાર હતા પરંતુ કાર્યક્રમ રદ થયો છે.

શ્રી અમિતભાઇ શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હોય તેને લઇને ટ્રસ્ટના વર્તુળોને પણ તેઓના આગમનની જાણ કરાતા તૈયારીઓ કરવામાં આવી  હતી. આ વખતે લોકસભાની ચૂંટણી  સમયે શ્રી અમિતભાઇ શાહ સોમનાથથી થોડે દૂર કોડીનાર જનસભા સંબોધવા આવ્યા હતા. પરંતુ સોમનાથ આવી શકયા ન હતા તેથી રવિવારે લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે તે પૂર્વે તેઓ સોમનાથના આર્શિવાદ લેવા આવનાર હતા. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં તેઓ સોમનાથને શરણે આવ્યા હતા અને આ ક્રમ તેઓએ  દેશમાં ૨૦૧૪ની ચૂંટણી પછી અમિતભાઇ શાહે જાળવી રાખ્યો છે.

(2:57 pm IST)