Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસ : છબીલના વેવાઇના જામીન નામંજૂર : બેંક કૌભાંડ કેસમાં જેન્તી ડુમરાની ધરપકડ

ભુજ તા. ૧૭ : ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસ સાથે સંકળાયેલા આરોપીઓ સામેની કાયદાકીય કાર્યવાહી ફરી ચર્ચામાં છે. અબડાસાના ભાજપ નેતા એવા જેન્તી ડુમરાની સીઆઇડી ક્રાઇમે બેંક કૌભાંડમાં ધરપકડ કરી છે. અત્યારે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં જેન્તી ડુમરા ભચાઉ જેલમાં છે. હવે મૃત મહિલાના નામે ૮૨ લાખ તેમજ અન્ય ૭ પાકિસ્તાની શરણાર્થીઓના નામે ૭ કરોડ એમ કુલ ૭.૮૨ કરોડના આઇડીબીઆઈ બેંક બળદિયા કચ્છ શાખાના નાણાકીય કૌભાંડમાં જેન્તી ડુમરાનો સીઆઇડી ક્રાઇમે ભચાઉ જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી છે.

આ બેંક કૌભાંડમાં અન્ય પાંચ આરોપીઓ કમલેશ કરસનદાસ ઠકકર, કુશલ મુકેશ ઠકકર અને મુંબઈના બિઝનેસમેન ભદ્રેશ મહેતા, તેમના પત્ની અને પુત્ર સામેલ છે.

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ભાજપના અન્ય નેતા છબીલ પટેલના વેવાઇ, ભત્રીજા અને તેના મિત્રની પણ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ રસિક સવગણ પટેલ, પિયુષ દેવજી વાસાણી અને કોમેશ પટેલ દ્વારા હત્યા કેસના સાક્ષીને નુકસાન પહોંચાડી ખતમ કરવાનો આરોપ છે. અત્યારે ગળપાદર ગાંધીધામ જેલમાં રહેલા આ ત્રણેય આરોપીઓએ ગાંધીધામ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ, જજ આર.જી. દેવધરાએ સરકારી વજીલ એસ. જી. રાણાની દલીલોને પગલે તેમની જામીન અરજી રદ્દ કરી હતી.

(11:32 am IST)