Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રાજ્યમાં જળસંચયથી દુકાળ ભૂતકાળ બનશે: વોટર રીસાયકલીંગ પોલિસીથી મહાનગર વિસ્તારોમાં વપરાયેલા જળનો પૂન: ઉપયોગ:વિજયભાઈ રૂપાણી

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમૂર્હૂત:ગારિયાધાર ખાતે વલ્લભ તળાવ ઉંડુ કરવાના કામનો શ્રમદાન કરી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી:

 

   ભાવનગર : મુખ્યમંત્રીશ્રીએ સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમુર્હૂત તેમજ ગારિયાધાર ખાતેના વલ્લભ તળાવને ઉંડુ કરવાના કામનો શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો.

     નાની વાવડી ખાતે ૮૪.૭૮ લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ તથા ગારીયાધાર ખાતે ૪૮ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડા થનાર તળાવમાં શ્રમદાન કરતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં હવે જળસંચયના આ કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે.

      મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોને પાણીના એક એક ટીપા માટે વલખા મારતા જોયા છે ત્યારે ગુજરાતમાં પાણીના એક પણ ટીપાનો વ્યય ના થાય તેમજ ઉપયોગ કરેલા પાણીને ફરી રીસાયકલ કરી ઉપયોગમાં લેવાની નિતી બનાવી છે. જેમાં મ્યુનિસિપલ વિસ્તારોમાં આ રિસાયકલ કામગીરી ઝડપથી થાય તે માટે સમયબધ્ધ આયોજન કરવામાં આવ્યું છે. 

 મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠુ પાણી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર ઝડપથી આગળ વધી રહી છે.    

  મુખ્યમંત્રીએ ભાવનગર જિલ્લામાં જળસંચયના આ ઇશ્વરીય કાર્યમાં તન-મન-ધનથી દાન આપનાર દાતાઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

  રૂપાણીએ  જણાવ્યું કે કાયદો-વ્વયસ્થા અને પાણીની વિશેષ તકેદારીથી ગુજરાતનો વિકાસ થયો છે જળસંચયના ઇશ્વરીય કામ માટે સૌને યથાશક્તિ યોગદાન-શ્રમદાન આપવા તેમણે ખાસ અપીલ કરી હતી.

   ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે જળસંચયનું આ કામ સામાજિક સમરસતાનું સૌથી મોટું અભિયાન છે. તેમણે જળસંચયના સામાજિક કામમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આયોજનને બિરદાવ્યું હતું.

  સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઇ સવાણીએ જણાવ્યું કે ભારતભરમાં જળસંચયનું મોટામાં મોટુ અભિયાન છે આ માટે રાજ્ય સરકારને વિશેષ અભિનંદન આપ્યા હતા.

   ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય હેઠળ રૂા.૮.૦૪ કરોડના ૫૩૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૬ તળાવો, ૧૭૮ ચેકડેમોના ડીસીલ્ટીંગ, ૧૮ જળાશયોના ડીસીલ્ટીંગના કામો  લોકભાગીદારીથી હાથ ધરાયા છે ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ૨૨૬ કામોમાંથી ૧૨૬ પુરા કરવામાં આવ્યા છે.

    ગારિયાધાર તાલુકામાં ૧૨.૧૪ લાખના ૧૯ કામો હાથ ધરાયા છે જેમાં ૧૩ પ્રગતિમાં છે. ગારિયાધાર નગરપાલિકા વિસ્તારના ૧૦૦ વીઘાના તોળપાણી તળાવને રૂા.૪૨ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડું કરાશે, આ તળાવ ઉંડુ થવાથી ૧.૬૦ લાખ ઘનમીટર એટલે કે ૧૬ કરોડ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે.

   જિલ્લા કલેકટર હષર્દભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં ભાવનગર જિલ્લાના જળસંચયના કામોની વિગતો આપી હતી.

         આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, સાંસદભારતીબેન શિયાળ, રાજેશભાઇ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા,  ભાવનગર પાલિકાના મેયર નીમુબેન બાભણિયા, સૌરાષ્ટ્ર જળસંચય અભિયાનના અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા સહિત જળસંચના લોકભાગીદારીના દાતાઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:35 pm IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST