News of Thursday, 17th May 2018

ભાદરા પાટીયાથી આમરણ સુધીના રોડ મુદે ૧પ દિ'નું અલ્ટીમેટમ... રીપેર નહિ કરાય તો રસ્તા રોકો- જનઆંદોલન

અવાર-નવારની રજૂઆતો બાદ પણ આંખ આડાકાન કરવાનું ચાલુ રખાતા ભભૂકયો લોકરોષ : ૩૦ કિ.મી. સુધી ધૂળીયા માર્ગથી વાહનચાલકો ત્રસ્ત : જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઇએ ઉચ્ચારી ચિમકી

આમરણ, તા. ૧૭ : અત્રેથી પસાર થતા જામનગર-કંડલા (કચ્છ) કોસ્ટલ હાઇવે પરનો ભાદરા (પાટીયા)થી આમરણ સુધીનો ૩૦ કિ.મી. માર્ગ છેલ્લા બે વર્ષ થયા સંપૂર્ણ બીસ્માર હાલતમાં હોવાથી પ્રજા હાડમારી ભોગવી રહી છે. અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કશું ધ્યાન નહિ અપાતા આખરે જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઇ કુંભરવાડીયા દ્વારા તંત્રને પત્ર પાઠવી ચિમકી ઉચ્ચારાઇ છે કે તા. ૩૧થી સુધીમાં તાકીદે ઘટતુ કરવામાં નહિ આવે તો મુદત પૂરી થયે રસ્તા રોકો જનઆંદોલનના મંડાણ કરવામાં આવશે.

કાર્યપાલક ઇજનેર પીડબલ્યુડી જામનગર, પ્રાંત અધિકારી-ધ્રોલ તેમજ મોરબી સહિતના અધિકારીઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે જોડીયા તાલુકો અને આમરણ ચોવીસી પંથકની જનતા છેલ્લા બે વર્ષ થયા આમરણ ભાદરા વચ્ચેના બદતર માર્ગની પીડા સહન કરી રહી છે. છેલ્લા ઘણા સમય થયા વારંવાર લેખિત મૌદિક રજૂઆતો તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ સુધી કશું ધ્યાન અપાયું નથી. માર્ગ પર અસંખ્ય નાનામોટા ગાબડાઓ પડી ગયા ધૂળીયા બની ગયો છે.

તદઉપરાંત આમરણ ખાતે હનુમાનજીની દેરીવાળી ગોલાઇ તેમજ વગડેશ્વરવાળી ગોલાઇના બંને નાલા પચણ ગત ચોમાસામાં ધરાશયી થઇ ગયા છે પણ હજુ સુધી સમારકામ થયું નથી.. તો આ મામલે તાકીદે ઘટતુ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઇ જવાની તેમજ ધરાશયી બંને નાલાની જગ્યાએ વૈકલ્પિક ધોરણે પાઇપ નાંખી સમારકામ કરવામાં નહિ આવે તો ગમખ્વાર અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ધરાશયી થયેલા બંને નાલાના થોડા બચેલા ભાગ પરથી વાહનો પસાર થઇ રહ્યા છે. ભરચોમાસે જાનહાની સર્જે તે પહેલા જાગૃત થવું જરૂરી છે.

રજૂઆતના અંતમાં એમ પણ ઉમેર્યું છે કે પ્રજાકીય ગંભીર પ્રશ્ને તાકીદે યોગ્ય કરવામાં નહિ આવે તો મુદત વિત્યે જોડીયા તાલુકો અને આમરણ ચોવીસી પંથકની જનતાને નાછૂટકે રસ્તા રોકો જનઆંદોલન કરવું પડશે.  એમ છતાંય જો ધ્યાન નહિ અપાય તો પ્રજા દ્વારા આશ્ચર્યજનક જલદ કાર્યક્રમો પણ ઘડી કાઢવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. (ર૮.૧)

(11:58 am IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST