Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

દ્વારકામાં ૧૨ દિ'ના ધર્મભકિત મહોત્સવનો પ્રારંભઃ પૂ. માં કનકેશ્વરીદેવીજી ધર્મપ્રેમી જનતાને કથાનું શ્રવણ કરાવશે

ભાગવત કથા અને કોટી વિષ્ણુ મહાયજ્ઞમાં ઉમટતા ભાવિકોઃ ૧ કરોડ વિષ્ણુ મહામંત્રની આહુતિ અપાશેઃ ભાવિકોને લાભ લેવા માણેક પરિવારનો અનુરોધ

દ્વારકા તા.૧૭: હિન્દુ ધર્મના અતિ પવિત્ર ગણાતા અને દર ત્રણ વર્ષે એક વાર આવતાં પાવનકારી  પુરુષોતમ માસની શરૂઆતથી દ્વારકા ધામમાં સ્થાનીય ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર તેમજ શ્રી ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા એવં શ્રી કોટી વિષ્ણુ મહાયજ્ઞ જેવા ધાર્મિક ઉત્સવોને સાંકળતા ધર્મભકિત મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ વિશેષ ધાર્મિક મહોત્સવનું જી.ટી.પી.એલ. તેમજ સંસ્કાર ચેનલ પરથી લાઇવ પ્રસારણ પણ કરવામાં આવી રહયું છે. સમગ્ર ધર્મ મહોત્સવનું જીવંત પ્રસારણ સતત એક પખવાડીયા સુધી નિહાળી શકશે.

આ ધર્મ મહોત્સવના પ્રધાનાચાર્ય શ્રી વિરેન્દ્ર દાતાર તથા કાશીના ૩૫૦ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત વૈદિક વિધાન અનુસાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા હજાર કુંડી વિષ્ણુ મહાયજ્ઞમાં એક કરોડ વિષ્ણુ મહામંત્રની આહુતિ આપવામાં આવનાર છે ધર્મોત્સવમાં યોજનાર શ્રીમદ ભાગવત સપ્તાહમાં મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ પૂ. માં કનકેશ્વરીદેવીજી વ્યાસાસને બિરાજી પોતાની મધુર શૈલીમાં ઉપસ્થિત ઓખામંડળની ધર્મપ્રેમી જનતાને કથાનું શ્રવણ કરાવી રહયા છે.

ધર્મપ્રેેમી જનતાને બાર દિવસ સુધી ચાલનારા આ દિવ્ય ભકિતરસનો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા આયોજક તથા સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આમંત્રણ અપાયું છે.

(11:50 am IST)