Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

લોઠડાના જમીન પ્રકરણની તપાસ જરૂરીઃ રામોદના વકિલ દ્વારા આત્મવિલોપનની ચિમકી

ગોંડલ, તા. ૧૭ :. રાજકીય માથાઓની મીલીભગતથી ચકચારી બનેલ કરોડોની કિંમતી એવી લોઠડાની જમીન પ્રકરણમાં આચરાયેલ કૌભાંડ અંગે રામોદના એકટીવેટ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા જણાવાયુ છે. આ મુદ્દે કોઈ થાબણભાણા કરાશે તો આત્મવિલોપનની ચિમકી પણ અપાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રામોદના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડે જીલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યુ કે લોઠડાની કિંમતી જમીન ગોંડલના મોટામાથાઓ દ્વારા રાજકીય વગ અને તંત્રની મીલીભગતથી ઓળવી જઈ મોટું કૌભાંડ આચરાયુ છે. કોઈ નીતિ નિયમ ધ્યાને લીધા વગર ૩૭૦ એકર પૈકી એકાવન એકર જમીન ફાળવી ખૈરાત કરી દેવાઈ છે. આ અંગે મારાભાઈ સુરેશભાઈ દ્વારા ગત તા. ૨-૪-૧૮ના લોઠડા ગ્રામ પંચાયત પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી મંગાઈ હતી, પરંતુ કોઈ માહિતી નહી મળતા તા. ૮-૫-૧૮ના એપેલન્ટ ઓથોરીટી સમક્ષ અપીલ દાખલ કરાઈ છે. લોઠડાના જમીન કૌભાંડમાં તંત્ર સંડોવાયેલુ છે. સાંથણીના નિયમ મુજબ જમીન રોડથી દૂર અને સળંગ આપવાની હોય છે, પરંતુ આ કૌભાંડમા નિયમોનો ઉલાળીયો કરી જમીન બિનખેતી કરાયા વગર અલગ અલગ પ્લોટ પાડી ઈન્ડસ્ટ્રીઝ ઝોનના નામે ઉંચા ભાવે વેચાણ કરાઈ રહ્યુ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ જમીન કૌભાંડ મીઠી નજર હેઠળ આચરાયુ હોય બનાવ અંગે તટસ્થ તપાસ કરી કસુરવાનો સામે પગલા ભરવા મનસુખભાઈ રાઠોડે જણાવી આ મુદ્દે યોગ્ય ન્યાય નહી અપાય તો આખરે આત્મવિલોપનની ફરજ પડશે તેવુ જણાવ્યુ હતું.

(11:39 am IST)