Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરબીમાં સબ જેલના 33 જેટલા કેદીઓને કોરોના

છેલ્લા 8-10 દિવસમાં 33 કેદીઓ સંક્રમિત થતા પ્રથમ ઘુટું બાદ રફાળેશ્વર પાસેના કોવિડ સેન્ટરમાં ખસેડાયા : સબ જેલમાં દદરોજ સેનેટાઈઝેશન અને દર્દીઓને ઉકાળાનું કરાતું વિતરણ

(પ્રવિણ વ્યાસ દ્રારા)મોરબી તા ૧૭ મોરબીમાં કોરોનાનો હાહાકાર એટલી હદે વધ્યો છે કે કોરોના સંક્રમણથી મોરબી સબ જેલના કેદીઓ પણ બચી શક્યા નથી.મોરબી સબ જેલના 33 જેટલા કેદીઓ છેલ્લા 8-10 દિવસ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવતા ફફડાટ મચી ગયો છે. આ તમામ પોઝિટિવ કેદીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

મોરબીમાં કોરોનાનો કહેર એટલી હદે ઝડપથી હાવી થઈ રહ્યો છે કે, મોરબીની સબ જેલમાં રહેલા કેદીઓ પણ કોરોનાના સંક્રમણથી બાકાત રહી શક્યા નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સબ જેલમાં વિવિધ આરોપસર સજા ભોગવતા 33 જેટલા કેદીઓ છેલ્લા 8-10 દિવસમાં કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ પોઝિટિવ કેદીઓને પ્રથમ ઘુટુ ખાતે આવેલા સરકારી કોવિડ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. બાદમાં આ કેદીઓને મોરબીના રફાળેશ્વર ખાતે સામાજિક સંસ્થા આયોજિત કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

 

સબ જેલમાં 33 જેટલા કેદીઓ કોરોનાથી સંક્રમિત થતા અન્ય કેદીઓમાં ફફડાટ મચી ગયો છે. સબ જેલમાં કોરોનાનો વધુ પગપેસારો અટકાવવા માટે તકેદારીના સઘન પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સબ જેલમાં તમામ જગ્યાએ દરરોજ સેનેટાઇઝેશન કરવામાં આવે છે અને કેદીઓને કોરોના સામે રક્ષણ આપવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. તેમજ કેદીઓને કોરોના રસી મુકાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. તેમ સબ જેલના જેલર એલ. ડી. પરમારે જણાવ્યું હતું.

(1:20 pm IST)