Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

લોધીકામાં ૧૦ દિ'માં કોરોનાથી ૧૫ મોત : કોવિડ સેન્ટર ફાળવવા માંગ

ઘરે-ઘરે માંદગીના ખાટલા : મહામારી રોકેટ ગતિએ આગળ વધતા લોકોની જરૂરીયાત માટે સુવિધા આપવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા અને સંઘના પૂર્વ ડિરેકટર મનસુખ સરધારાની રજૂઆત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧૭ : લોધીકા તાલુકા મથકનું ગામ છે અને ૩૮ ગામો તેમાં આવેલા છે. હાલ કોરોના મહામારી રોકેટ ગતિએ આગળ વધી રહેલ છે ત્યારે લોધીકા તાલુકો પણ કોરોનાની લપેટમાં આવી ગયેલ છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. મૃત્યુના કિસ્સા વધતા જાય છે તેવા સંજોગોમાં લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ગત વર્ષની જેમ આ વખતે પણ તુરંત ઓકસીજન સુવિધા ધરાવતુ કોવિડ સેન્ટર શરૂ કરવા લોકોમાં માંગણી થઇ રહેલ છે.

આ અંગે લોકોની ફરીયાદ ધ્યાને લઇ પૂર્વ તાલુકા પં.પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા સંઘના પૂર્વ ડીરેકટર મનસુખભાઇ સરધારાએ આ વિસ્તારમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને રજૂઆત કરેલ છે તથા કલેકટર તંત્રને પત્ર પાઠવી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. જેમાં લોધીકા સહિત ગામોમાં કોરોનાએ દેખા દીધા છે. અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. સરકારી તેમજ ખાનગી દવાખાના દર્દીથી ઉભરાય રહ્યા છે. છેલ્લા દસ-બાર દિવસમાં લોધીકામાં પંદર કરતા વધુ લોકો મૃત્યુ પામ્યાનું બહાર આવ્યું છે. પુરા તાલુકાની સ્થિતિ ચિંતાજનક બની ગયેલ છે. આ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહેલ છે. શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહેલ છે. તેવા સંજોગોમાં દર્દીની હાલત કફોડી બની જાય છે. વધુમાં હાલની ઋતુમાં તાવ - શરદીના રોગે પણ માથું ઉંચકયું હોય લોકોમાં ભય તથા ચિંતાનું મોજું ફરી વળેલ છે. જો કે લોકો પણ જાગૃતિ દાખવી રહેલ છે. લોધીકા સહિત સાંગણવા - ચાંદલી જેવા ગામોમાં લોકડાઉન થઇ રહેલ છે.

આવી સ્થિતિમાં લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તો જે લોકો મોત સામે બાથ ભીડી રહ્યા છે. તેવા લોકોની જિંદગી બચાવી શકાય. આજે શહેરોમાં પૈસા દેતા પણ બેડ નથી મળતા અને અંતે સારવારના અભાવે દર્દીના મૃત્યુના કિસ્સા વધતા જોવા મળે છે. લોધીકા આરોગ્ય કેન્દ્રમાં ગત સાલ કોરોના મહામારી સમયે કોવિડ સેન્ટર ખોલવામાં આવી ગયેલ છે અને શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલો દર્દીથી ઉભરાય રહેલ છે ત્યારે કોરોના મહામારીમાં લોધીકા તાલુકાની સ્થિતિ વધુ વણસે નહી તે માટે તંત્ર દ્વારા તાકીદે ઓકસીજન સાથેની કોવિડ સેન્ટર ખોલવા લોકોમાંથી રજૂઆત થયેલ છે.

(10:26 am IST)