Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છના ૫ જીલ્લામાં માવઠાએ સર્જી તબાહીઃ ઘઉં, વરીયાળી, કેરી સહિતના પાકમાં નુકશાનીથી ખેડૂતો પાયમાલ

ચોમાસામાં ઓછો વરસાદ અને ઉનાળામાં કમોસમી વરસાદથી ખેડૂતોને પડયા ઉપર પાટુઃ એક દિવસ કુદરતની કહેરથી ભારે નુકશાનઃ જો કે સવારથી વાદળો વિખેરાતા વધુ સંકટ ટળ્યુ

પ્રથમ અને બીજી તસ્વીરમાં વાંકાનેર અને સુરેન્દ્રનગરમાં વરસાદથી થયેલ નુકશાન તથા ત્રીજી તસ્વીરમાં વાંકાનેરમાં વરસતો વરસાદ, ચોથી તસ્વીરમાં જસદણ અને પાંચમી તસ્વીરમાં ભાવનગરમાં ગઇકાલે છવાયેલ વરસાદી વાતાવરણ નજરે પડે છે. (તસ્વીર : નિલેશ ચંદારાણા(વાંકાનેર), ફઝલ ચૌહાણ (વાંકાનેર), હુસામુદીન કપાસી (જસદણ), મેઘના વિપુલ હિરણી -ભાવનગર) 

રાજકોટ, તા. ૧૭ :. રવિવાર બપોરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ અનેક જગ્યાએ માવઠુ વરસ્યુ હતુ. કમોસમી વરસાદ તૂટી પડતા પાકને લાખોનું નુકશાન થયુ હતું. સોમવારે કચ્છમાં મીની વાવાઝોડુ ફુંકાયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર સહિત પાંચ જીલ્લામાં તબાહી મચાવી હતી અને પડધરી, મોરબી અને સુરેન્દ્રનગર પંથકમાં ૩ વ્યકિતનો ભોગ લેવાયો હતો. જ્યારે કરા સાથે ધોધમાર વરસાદ પડતા ઘઉં, કરી, વરીયાળી સહિતના ઉનાળુ પાકને નુકશાન થતા ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.

ચોમાસામાં ઓછો વરસાદ વરસ્યા બાદ ઉનાળુ પાકમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી બેઠી છે.

ગઈકાલે એક જ દિવસમાં ભારે નુકશાન બાદ આજે સવારથી વાદળો વિખેરાતા વધુ સંકટ ટળ્યુ છે અને આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે.

વાંકાનેર

વાંકાનેરઃ ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે ચોમાસાની ઋતુનો અહેસાસ કરાવતુ વાતાવરણ સાથે મીની વાવાઝોડાનો તોફાની પવન ગાજવીજના કડાકા સાથે સોપારી જેવડા કરા વરસાદ સાથે પડી રહ્યા હતા. બપોરના સમયે અંધકાર ભર્યા વાતાવરણ અને અડધો કલાકના વરસાદથી રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા.

ભારે પવનને લઈને વેપારીઓના બોર્ડ તથા છાપરા ઉડવા લાગ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ તોફાની પવન અને વરસાદે ખેડૂતોના ઉનાળુ પાકનો સોથ વાળી દીધો હતો ત્યારે ખેડૂતોને એક બાજુ પાકવીમાનો પ્રશ્ન ઉપર આ કુદરતી કોપથી ડબલ માર સહન કરવો પડે તેવુ બન્યુ છે.

ગઈકાલે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઘઉં, વરીયાળી સહિતની જણસી હરરાજી માટે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં લાવ્યા હતા અને ખુલ્લા ગ્રાઉન્ડમાં આ માલ ઉતારવાની ભુલ તેમજ વેપારીઓની પણ માલ ઉપાડવાની ઢીલને પગલે ઓચિંતા વરસાદના આગમનને પગલે ઘઉં સહિતની જણસી પાણીમાં પલળી જતા ખેડૂતો અને વેપારીઓને લાખોની નુકશાની ખમવાની નોબત આવી હતી. તોફાની પવનને પગલે માર્કેટીંગમા અને ગ્રામ્ય વિસ્તારમાં વિજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા.

વિજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં વિજ પુરવઠો તુરંત ખોરવાય ગયો હતો. જેમાં અમુક વિસ્તારોમાં સાંજે તો અમુક વિસ્તારોમાં રાત્રે વિજ પુરવઠો પુનઃ શરૂ થયો હતો.

અત્રેના જડેશ્વર ઉપર આવેલ શ્રી રામભકત હનુમાન મંદિરે ચાલતી શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો મંડપ (સમીયાણો) તોફાની પવન અને વરસાદને લઈને જમીનદોસ્ત થઈ ગયો હતો. બપોરનો વિરામ સમય હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ મંડપ-લાઈટીંગ અને માઈક સીસ્ટમને ખાસ્સુ એવું નુકશાન થયું હતું.

તોફાની પવન અને વરસાદને લઈ માવઠાનો ભોગ બનેલા ખેડૂતોના નુકશાનનું સર્વે કરવા અને તેને મદદરૂપ થવા સરકારશ્રી આગળ આવે તે પણ જરૂરી હોવાનું ખેડૂત વર્ગમાંથી સૂર ઉઠયો છે.

વઢવાણ

વઢવાણ :. સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે બપોરે બાદ હવામાનમાં પલ્ટો આવતા ભરઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં ભારે ડમરીને કારણે સુરેન્દ્રનગર ઘુડયુ બની ગયુ હતું. ઝાલાવાડમાં ગાજવીજ સાથે કરા અને માવઠું થતાં ૧પ હજાર હેકટરમાં ઉનાળુ પાક લેનાર ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. જયારે શહેરી વિસ્તારોમાં વિજ પુરવઠો ગુલ થતાં મુશ્કેલી પણ સર્જાઇ હતી.

લખતર તાલુકા સહિતના ગામડાઓમાં ભારે પવન અને ડમરીને કારણે વાવાઝોડું સર્જાયુ હતું. જેમાં મકાનના પતરા તથા નળીયા તોડી નાખ્યા હતાં. જેમાં ભારે નુકસાન થયુ હતું. જેમાં લખતર ગામ તથા અન્ય જયારે વાતાવરણમાં પલટો આવતા ઠેરઠેર વૃક્ષો પડાવાના અને વિજ થાંભલાઓને નુકસાન થયાનું બહાર આવ્યુ છે. આ ઉપરાંત વઢવાણ પંથકના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા શેરીમાં પાણી વહેતા નજરે પડયા હતાં.

જસદણ

જસદણ : જસદણમાં માવઠાની આગાહી વચ્ચે સવારે અમી છાંટણાની એક ઝલક નાગરીકોને માણવા મળી હતી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ભેજ છે.

ગોંડલ

ગોંડલ : શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળીયુ વાતાવરણ  છવાયેલુ રહ્યું છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૧. મહત્તમ, રર.પ લઘુતમ ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૭ પ્રતિ કલાક પવનનીગતિ રહી હતી.

(11:51 am IST)