Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉનાની સીમમાં ઉદ્ઘાટનની રાહમાં ૨ વર્ષથી ધૂળ ખાતુ સરકારી બક્ષીપંચ છાત્રાલય બિલ્ડીંગ

ઉના, તા. ૧૭ :. સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સરકારી બક્ષીપંચ છાત્રાલય ઉદઘાટનની રાહમાં ધૂળ ખાય છે, તુરંત ઉદઘાટન કરી કાર્યરત કરવા માંગણી ઉઠી છે.

ટીકરમાં ખારા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સરકારી બક્ષીપંચ છાત્રાલયનું નિર્માણ કરેલ છે. બાંધકામ પુરૂ થયાને બે વર્ષ થઈ ગયા છે. ઉદઘાટનના વાંકે તેમા તાલુકાના બક્ષીપંચના છાત્ર રહી શકતા નથી તેથી સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડાએ ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ (બક્ષીપંચ)ના નિયામક મંત્રી ઈશ્વરભાઈ પરમારને લેખીતમાં રજૂઆત કરી છે કે, છાત્રાલયનું નિર્માણ કાર્ય પુરૂ થઈ ગયુ હોય બે વર્ષ થવા છતા મંત્રી કે સરકારને ઉદઘાટન અને લોકાર્પણનો સમય મળતો નથી. છાત્રાલયમાં ફીટ કરાયેલ લાખો રૂપિયાનો જનરેટર સેટ ધૂળ ખાઈ બગડી રહ્યો છે.

આવતા સત્રથી કાર્યરત થાય તેવી માંગણી કરી છે. હાલ ઉનામાં તાલુકા બક્ષીપંચ છાત્રાલય ભાડાના મકાનમાં કાર્યરત છે. બિલ્ડીંગ તૈયાર હોવા છતા સરકાર દ્વારા ભાડુ ચુકવાય છે તો છાત્રાલય ચાલુ ન કરવા કોની ભૂમિકા છે ? તેની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે ખાતાકીય પગલા લેવા માંગણી કરી છે.

(11:36 am IST)