Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આમરણથી ભાદરા પાટીયા સુધી ૩૦ કીમી રોડની અતિ બદ્તર હાલત

આમરણ તા. ૧૭ : અહીંથી પસાર થતા જામનગર કંડલા (કચ્છ) કોસ્ટલ હાઇવે પરનો આમરણ થી ભાદરા (પાટિયા) સુધીનો ૩૦ કીમી માર્ગ છેલ્લા બે વર્ષ થયા સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. જામનગર - કચ્છ વચ્ચેના આ ટુંકા અંતરના દરિયાઇ કાંઠાના માર્ગના નવિનીકરણ બાબતે સરકારશ્રીમાં તેમજ પીડબલ્યુડીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવારની રજૂઆતો છતા ધ્યાન અપાતું નહિ હોવાથી પ્રજા અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

હાલમાં માર્ગ પર થાગડથીગડ કામ ચાલુ કરવામાં આવ્યું છે જે પ્રજાની નજરે માત્ર નાટક સમાન જોવા મળી રહ્યું છે. અનેક નાનામોટા ગાબડા પર જે થાગડથીગડ કામ ચાલી રહ્યુ છે તે સંપુર્ણ તકલાદી જોવા મળી રહ્યું છે. ગાબડા પુરવામાં ડામરનો નહિવત ઉપયોગ થતો હોવાથી ફરિયાદો તેમજ નબળા મટિરિયલ્સને કારણે કામ જેમ જેમ આગળ વધતુ જાય છે તેમ તેમ પાછળની સ્થિતિ ઠેરના ઠેર થતી જોવા મળે છે. થાગડથીગડમાં ખર્ચાતા લાખો રૂપિયાના આંધણ પછી પણ પ્રજાની યાતનામાં કશો ફરક જોવા મળતો નથી.

એકંદર જોવામાં આવે તો જોડિયા તાલુકાના ગામોમાંથી પસાર થઇ મોરબી તાલુકાના આમરણ સુધી પહોંચતા આ માર્ગનંુ એકધારૂ પરિવહન સુખ છેલ્લા ત્રણ દાયકા થયા જનતાને જોવા મળ્યું નથી. આ માર્ગને પસાર કરતા ટ્રક ટેન્કર અન્ય વાહનચાલકોને નાકે દમ આવી જાય છે.

ગત વર્ષે ચોમાસામાં હનુમાનજીની દેરી પાસેની ગોલાઇમાં આવેલુ નાલુ તેમજ વગડેશ્વર મંદિરની ગોલાઇવાળુ નાલુ સ્લેબ સાથે ધરાશયી થયેલ છે જે બંને નાલાના બાંધકામની ગતિવિધિ હજુ સુધી જોવા મળેલ નથી. ધણીધોરી વિનાના આ ધોરીમાર્ગનું કોઇ ધણી છે ખરૂ ? તેવો પ્રશ્ન જનતા તંત્રને પૂછી રહી છે.

(11:35 am IST)