Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉના પાસે જીવના જોખમે ફોરલેન હાઇવે ઓળંગતા માઢ પ્રાથમિક શાળાના બાળકો

શાળાનું સ્થળ ફેરવવા અથવા બ્રીજ બનાવવા માંગણી

ઉના તા. ૧૭: ઉના તાલુકાના માઢ ગામનાં પ્રાથમિક શાળાનાં બાળકો જીવના જોખમે ફોરલેન નેશનલ હાઇવે રોડ ઓળંગી શાળાએ જતા હોય અન્ડરબ્રીજ કે ઓવરબ્રીજ બનાવવા વાલીઓએ માંગણી કરી છે.

ઉના-કોડીનાર નેશનલ હાઇવે રોડ ફોરલેનનું કામ પુરજોશમાં ચાલુ છે. ઉના થી ૧૪ કિ.મી દુર તાલુકાનું માઢ ગામના ૨૦૦થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઇઓ બહેનો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હાલ ફોરલેન રોડ બની રહ્યો છે. ગામ રોડની પશ્ચીમમાં છે. પ્રાથમિક શાળા પુર્વ દિશામાં આવેલ છે. રોજ નાના ભુલકાઓ જાનના જોખમે રોડ ઓળંગી શાળાએ જાય છે. આ રોડ ઉપર વેરાવળ-સુત્રાપાડા-કોડીનારથી હજારો ટ્રકો કન્ટેનરો, ફોરવ્હીલ વાહનો પસાર થાય છે. આ અંગે ૧૫૦૦ થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામના સરપંચે અધિકારીઓ તથા રોડના અધિકારીઓને લેખીતમાં રોડ બનતો હતો ત્યારે ઓવરબ્રીજ કે અન્ડર બ્રીજ બનાવવા રજુઆત કરેલ હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. અકસ્માત અને બાળકોનો ભોગ લેવાય તેની રાહ જોવે છે. આ માઢગામમાં લોકો ખેતમજુરી, માછીમારી, સાથે જોડાયેલા હોય મોટાભાગે બાળકો એકલા રોડ ઓળંગી શાળાએ જાય છે. તો ગામના આગેવાનોની એવી માંગણી છે કે, પ્રાથમિક શાળા ગામની બાજુમાં ફેરવવામાં આવે અથવા કોઇ વ્યવસ્થા કરાય, જો કોઇ અકસ્માત થાય તો જવાબદારી કોની? તેવો પ્રશ્ન ગ્રામજનો કરી રહ્યા છે.

(11:30 am IST)