Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કાલે જુનાગઢમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહિલાઓ દ્વારા તલવારબાજી

આજે સાંજે બાઇક રેલી, કાલે ભવ્ય શોભાયાત્રા, વિવિધ આકર્ષક ફલોટસ

જૂનાગઢ તા. ૧૭ :.. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભુદેવો ના ઇષ્ટદેવ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા પરશુરામ ભગવાનની આવતીકાલે તા. ૧૮ ને બુધવારના રોજ જન્મ જયંતિ હોય જેની સમસ્ત બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

સમગ્ર આયોજનના કન્વીનરશ્રી પુનીતભાઇ શર્માની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિકભાઇ ઠાકર પ્રમુખ આશિષ રાવલ, પરશુરામ જયંતિમાં વધુમાં વધુ ભુદેવો સંગઠીત થઇ જોડાય તે માટે દરેક વિસ્તારોમાં ૧૪ જગ્યાએ પરશુરામ ભગવાનની આરતીનું આયોજન કરાયુ હતું.

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આજે સાંજે ૪ કલાકે મુંડીયા સ્વામીની જગ્યા મધુરમ ખાતેથી  વિશાળ બાઇક રેલી પ્રસ્થાન કરશે. શહેરના વિવિધ માર્ગો પર પસાર થઇ દામોદર કુંડ મહાઆરતી સાથે સંપન્ન થશે  આ રેલીમાં અસંખ્ય ભુદેવો જોડાશે. તેમજ આવતીકાલે પરશુરામ જયંતિના પાવન દિવસે સાંજે ૪ કલાકે જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલ જાગનાથ મંદિર ખાતેથી ભગવાન પરશુરામજીની ઝાંખી કરાવતા અવનવા ૧પ થી વધારે આકર્ષક ફલોટસોની શોભાયાત્રાનું ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ પરેશભાઇ જોષી, પ્રફુલ્લભાઇ જોષી, હસુભાઇ જોષી રૂપલબેન લખલાણી, ભરતભાઇ લખલાણી, આરતીબેન જોષી, કનકબેન વ્યાસ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઇ મહેતા કે. ડી. પંડયા, સહિત બ્રહ્મ સમાજના આગેવાનો પ્રસ્થાન કરાવી આ શોભાયાત્રામાં જોડાશે આ શોભાયાત્રામાં સૌ પ્રથમવાર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના મહિલાઓ તલવાર બાજી અને લાઠી દાવ પણ કરશે અને આ શોભાયાત્રા આઝાદ ચોક, એમ. જી. રોડ, કાળવા ચોક, ભુતનાથ રોડ થઇ ભુતનાથ મંદિરે સંપન્ન થશે. અને ત્યારબાદ સૌ ભુદેવ પરિવાર ત્યાં સમુહ ભોજન, મહાપ્રસાદ લેશે. આ પરશુરામ જયંતીમાં ૧પ હજારથી વધુ ભુદેવ પરિવારો જોડાવાના હોય ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ પરેશભાઇ જોષી, અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી અને પુનિતભાઇ શર્મા અને સમસ્ત બ્રહ્મ સમાજના વડીલો યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:26 am IST)