Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

વલ્લભીપુરના પીપળ ગામના વૃદ્ધાની હત્યાના મુખ્ય આરોપીને આજીવન કેદ

ભાવનગરઃ વલ્લભીપુરના પીપળ ગામે  ૭પ વર્ષના સમુબેન વિઠ્ઠલભાઇ કુવાડિયા નામના પટેલ વૃદ્ધાની  ઘાતક હથિયારથી હત્યા કરીને લાશને કુવામાં ફેકી દેવા અંગે પકડાયેલા નાનુ ગટોરભાઇ સોલંકી  અને તેના પુત્ર દિલીપ સામેનો કેસ ચાલી જતા સેશન્સ જજ સુભદ્રાબહેન બક્ષીએ નાનુને આજીવન કેદ અને તેના પુત્ર દિલીપને ત્રણ વર્ષની કેદ  અને દંડની સજા  કરી હતી.

૩ વર્ષ પહેલા તા. પ-૧-૧૬ ના રોજ વાડી માલિક સમુહબેન કુવાડિયા તેની વાડીએ આંટો મારવા નીકળ્યા બાદ લાપતા બની ગયા હતા. તપાસ દરમ્યાન તેના કપડા નટુભાઇની વાડીની સામે આવેલ પડતર જગ્યાએથી મળી આવ્યા હતા.  તેની લાશ કાનપર ગામની સીમમા આવેલ અરવિંદભાઇ જોષીના ખેતરના અવાવ રૂ કુવામાંથી મળી હતી. તપાસમાં મૃતક સમુબેનની વાડી ભાગમા વાવવા રાખનાર નાનુ સોલંકીએ રૂ. ત્રણ હજાર ઉપાડ પેટે આપવાની માગ કરી હતી પરંતુ સમુબેને પૈસા આપ્યા ન હતા. તેનો ખાર રાખીને છરીના ઘા મારીને હત્યા કરવામા આવી હતી. અને પુરાવાનો નાશ કરવા લાશને કુવામાં ફેંકી દેવાયાનુ ખુલ્યુ હતુ. પોલીસે વિઠ્ઠલભાઇની ફરીયાદ પરથી ગુનો નોંધી બંનેની ધરપકડ  કરી હતી. સેશન્સ જજ સુભદ્રાબહેન બક્ષીએ નાનુ સોલંકીને આજીવન કેદ અને રૂ. પાંચ હજારનો દંડ અને તેના પુત્ર દિલીપને  ૩ વર્ષની કેદ અને રૂ. બે હજારના દંડની સજા કરી હતી.

(11:55 am IST)