Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલે ગુડી પડવો, ડો.હેડગેવારનો જન્મ દિવસ

કાલે ચૈત્ર સુદ પડવો, ગુડી પડવો. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટીનું નિર્માણ કરેલુ. સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા વિક્રમી સંવતનો શુભારંભ, મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામનો રાજયાભિષેક, નવરાત્રી (શકિત આરાધના) નો પ્રારંભ, તથા ભગવાન ઝુલેલાલનો જન્મ દિવસ. એમ કાલના દિવસમાં અનેક મહત્વ સમાયેલા છે. આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્યસમાજની સ્થાપના થઇ હતી. આ દિવસે નાગપુરમાં મહાન દેશભકત ડો. કેશવ બલીરામ હેડગેવારનો જન્મ થયેલ.  જેઓએ દેશભકત સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. આ મહાન દેશભકત વિષે થોડુ જાણીએ તો તેમનો જન્મ ચૈત્રી સુદી એકમ પડવો ૧ એપ્રિલ ૧૮૮૯ ના રોજ થયો હતો. ફકત  ૧૨ વર્ષની ઉંમરે માતા રેવતીબાઇ અને પિતા બલીરામજીનું અવસાન થતા કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવેલ. નાનપણથી જ દેશભકિતની દાજ ઉભરાવા લાગી હતી. યવતમાળ અને પૂનામાં શિક્ષણ પુરૂ કર્યા બાદ ૧૯૧૦ માં કલકતામાં દાકતરીનો અભ્યાસ શરૂ કરેલ. ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધેલ. મહાન ક્રાંતિકારીઓ શ્રી શ્યામસુંદર ચક્રવર્તી, શ્રી મોતીલાલ ઘોષ, અમૃત બઝાર ત્રીકાના સંપાદક અને તે સમયના ક્રાંતિકારી નેતાઓ સાથે ગાઢ પરિચય કેળવી ક્રાંતિકારીઓ સાથે દેશભકિતના કામમાં જોડાયા. આગળ જતા ઇ.સ.૧૯૨૦ ના કોંગ્રેસના નાગપુર અધિવેશન વેળાએ ડોકટરજીએ કોંગ્રેસ સ્વયંસેવક દળના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવેલ.  ૧૯૨૧ માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ અનેક દેશભકિતના આંદોલનો કર્યા. ઇ.સ.૧૯૨૫ માં વિજયા દશમીના શુભ દિવસે નાગપુર ખાતે રાટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. બાદમાં દેશકિતના કાર્યક્રમો અને એ માટેના આંદોલનોને વેગ આપ્યો. જો કે દેશભકિત કાર્યમાં શ્રેષ્ઠ ચરીત્ર જાળવી રાખેલ. શત્રુ પણ તેમની સામે આંગળી ચીંધી ન શકે તેવું તેમનું જીવન રહેલ. ૧૯૩૯ માં સખત પરીશ્રમને કારણે બિમાર પડયા. ૨૧૦ જુન ૧૯૪૦ ના રોજ નાગપુરમાં અવસાન પામ્યા. તેમણે આરંભેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર બળવાન થઇ રહ્યો છ.

- જયેશ સંઘાણી, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

(2:06 pm IST)