Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ખેડૂતોને અઢી મહિને પણ મળ્યા નથી મગફળીના રૂપિયા !!

મુખ્યમંત્રી વિજયભાઈને ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો દર્દસભર પત્ર ! અત્યંત નમ્રતા અને વિનંતીથી કહ્યું કે વિસાવદર સહિત જૂનાગઢમાં ખેડૂતોને મુશ્કેલી

રાજકોટ, તા. ૧૭ :. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લાગણી, વિનંતી, આગ્રહપૂર્વક, નમ્રતા અને દર્દભર્યા સૂરે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ એક પત્ર પાઠવી વિસાવદર તથા જૂનાગઢ જીલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે વેચાયેલ મગફળીના અઢી મહિને પણ રૂપિયા મળ્યા ન હોવાનું જણાવી વહેલી તકે સંબંધીતોને સૂચના આપવા જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, મે અગાઉ પણ લેખીત રજૂઆત કરી છે પરંતુ કોઈ ગંભીરતા લેવાયેલ નથી. ખેડૂતોને નવી ખેતી માટે ખૂબ જ અગવડતા પડે છે સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે.

ગઈકાલે વિસાવદર વિધાનસભા બેઠકના સક્રીય ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ વધુ એક પત્ર પાઠવી અત્યંત ગંભીર બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યુ છે.

શ્રી રીબડીયાએ પત્રમાં જણાવ્યુ છે કે, મારા મત વિસ્તાર વિસાવદર અને ભેંસાણ તથા જૂનાગઢ ગ્રામ્યમાંથી ખેડૂતો એવી રજૂઆતો કરી રહ્યા છે કે, જાન્યુઆરી ૨૦૧૮થી આજ દીન સુધીની ટેકાના ભાવે ખેડૂતોએ વેંચાણ કરેલ મગફળીના બીલોની રકમ મળી નથી.

ખેડૂતોને અઢી માસ જેવો સમય વીતી ગયો હોવા છતા પોતાની મગફળીની રકમ મળતી નથી. પરિણામે ખેડૂતોને નવા પાક માટે ખાતર કે બિયારણો ખરીદવા માટે ખૂબ જ અગવડતા પડે છે અને ખેડૂતો ધીમે ધીમે દેવામાં ડૂબી રહ્યા છે. જેથી  તાત્કાલીક ખેડૂતોને પોતાની મહેનતના પૈસા સમયસર કામ લાગે તે માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સ્થાનિક કક્ષાએ સંબંધીતોને સૂચના આપવા મારી ખેડૂતોના હિત માટે લાગણી અને માગણી છે.

અગાઉ પણ મે સંખ્યાબંધ વખત રજૂઆતો કરી છે પરંતુ આપના તરફ થઈ કોઈ જ ઘટીત કાર્યવાહી હાથ ધરાયેલ નથી. ફરીથી આપનુ ધ્યાન દોરૂ છું. આ બાબતને ગંભીરતાથી લઈ ખેડૂતોની મુશ્કેલી સત્વરે દૂર થાય તેવી મારી ખાસ વિનંતી છે.

(11:50 am IST)