Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરેન્દ્રનગર ખાતે ભૂકંપની બચાવ રાહત કામગીરીની સફળ મોકડ્રીલ યોજાઇ

કલેકટર ઉદ્દીત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ લશ્કરના જવાનોની શ્રેષ્ઠ કામગીરી

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૧૭ : રાષ્ટ્રીય આપત્તિ નિવારણ તંત્રના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે અચાનક ભૂકંપ આવે તો કેન્દ્રીય એજન્સીઓ તેમજ રાજયની એજન્સીઓના સહયોગથી આજે અદ્દભૂત મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલના ભાગરૂપે રાજયના તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ભૂકંપ આવ્યા અંગેના મેસેજ પાઠવવામાં આવ્યો હતો તે મેસેજના ભાગરૂપે જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલ તેમજ નિવાસી અધિક કલેકટર ચંન્દ્રકાંત પંડયા ગણત્રીની સેકંડોમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા અને લશ્કરી જવાનો, પોલીસ, આરોગ્ય, ફાયરબ્રિગેડ, સ્થાનિક ડીઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડીને કર્મચારીઓ તથા નાગરિકોના જાનમાલની રક્ષા કરીને મોટી જાનહાનિમાંથી ઉગારી લેવા સુચનાઓ આપી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે સવારે ૧૧-૦૦ વાગ્યે આ મોકડ્રીલનું યોજાઈ ત્યારે અદ્દભુત દ્રશ્યો સર્જાયા હતા.

ઘટના સ્થળે આવી પહોચેલા લશ્કરી જવાનો વિના વિલંબે કલેકટર કચેરીના તમામ સ્ટાફને બહાર નિકાળ્યા હતા અને જે લોકો ઉપર ફસાઈ ગયા હતા તેમને બાંધીને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આની સાથોસાથ જે બેભાન થયા હતા તેમને પણ સ્ટ્રેચરમાં નીચે લાવીને સારવાર માટે એબ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરીનું સંકલન અધિક કલેકટરશ્રી ચંન્દ્રકાંત પંડયાએ કર્યું હતું.

આવી રીતે મેગામોલ, બાલાશ્રમ સ્કૂલ અને રહેણાંક વિસ્તાર ,સંકલ્પ એપાર્ટમેન્ટ તથા આઈ.ઓ.સી. વિસ્તારોમાં પણ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપક મેઘાણી, ધ્રાંગધ્રા ૯૬ મીડીયમ રેજીમેન્ટના  ૨ અધિકારી સહિત ૪૦ જવાનો અને એન.એસ.જીના  યુવાનોએ સાહસિક કામગીરી દર્શાવીને મોટી જાનહાનિ ન થાય તે માટે માનવતાને ધ્યાને રાખીને પ્રશંસનીય કામગીરી હતી. સ્કુલમાં ભણતા બાળકોને પણ હિંમતપૂર્વક કામ કરીને ઉગારવામાં આવ્યા હતા.

આ મોકડ્રીલમાં જિલ્લાના પોલીસ જવાનો, હોમગાર્ડઝ, લશ્કરના જવાનો, વીજળી, પાણી પુરવઠાપ્, આરોગ્ય, એસ.ટી. આર.એન્ડ બી, ફાયરબ્રિગેડ, સર્ચ અને રેસ્કયુઝ ટીમ, નગરપાલિકા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારીઓ, આગાખાન એજયુકેશન અને કર્મચારીઓ જોડાયા હતા.

(11:35 am IST)