Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલથી ચૈત્રી નવરાત્રીઃ કચ્છ માતાના મઢે રાત્રે ઘટસ્થાપન

આજે શનેશ્વરી અમાસઃ શનિ મંદિરોમાં ભાવિકોની ભીડઃ વિશેષ પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૭ :.. કાલે તા. ૧૮ ને  રવિવારથી માતાજીની આરાધના માટે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. અને નવ દિવસ સુધી ચૈત્રી નોરતા અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સોથ અનુષ્ઠાન કરવામાં આવશે.

આજે શનીવાર અને શનેશ્વરી અમાસનો સંયોગ છે. આ દિવસે પિતૃકૃપા, શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટેનો ઉત્તમ દિવસ બની રહેશે. સાથે જ વિવિધ દોષોમાંથી મુકત થવા માટે પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દ્વારા વિશિષ્ટ જાપ-અનુષ્ઠાન અને પૂજન કરવામાં આવશે.

સમગ્ર ચૈત્ર મહિનો પર્વ, તહેવારથી યુકત જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે એટલે કે વિક્રમ સંવત-ર૦૭૪ માં, ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ રવિવારથી થાય છે. ચૈત્રી પૂર્ણિમા કે જે દિવસે હનુમાન જયંતી હોય છે, આ દિવસે યોગાનુયોગ શનિવાર આવે છે, ખાસ કરીને ચૈત્રી અમાસ કે જે સોમવારે આવે છે, માટે આ દિવસનું પણ સૌથી વધુ માહાત્મ્ય છે. જયારે ચૈત્રી નવરાત્રીએ થતાં ઘટ સ્થાપન, જવારારોપણ, અખંડ દીપ સ્થાપનનો સમય આપતાં તેમણે જણાવ્યું હતું કે, વિક્રમ સંવત -ર૦૭૪ ના રોજ ચૈત્ર સુદ પ્રતિપદા, રવિવાર, તા. ૧૮ માર્ચે વિવિધ જપ-તપ-અનુષ્ઠાનનો પ્રારંભ કરવા માટેનો શુભ સમય સવારે ૮.ર૧ થી ૧૦.પ૭ નો છે.

તેમણે જણાવ્યું કે વિક્રમ સંવત-ર૦૭૪ ની બીજી શનૈશ્વરી અમાસ ફાગણ મહિનામાં તા. ૧૭ મી માર્ચે છે. ત્યારબાદ આ વર્ષની ત્રીજી અને અંતિમ શનૈશ્વરી અમાસ અષાઢ મહિનામાં તા. ૧૧ મી ઓગસ્ટના રોજ આવશે. અગાઉ કારતક મહિનામાં જ શનૈશ્વરી અમાસ આવી હતી. આ દિવસે હનુમાનજી અને શનિ મંદિરોમાં ભકતો મોટી સંખ્યામાં દર્શનાર્થે જતાં હોય છે. ખાસ કરીને આ દિવસ પિતૃકાર્ય માટે ઉત્તમ હોવાથી આ દિવસે શ્રાધ્ધ-તર્પણ પણ કરી શકાય છે.

ભુજ

ભુજ :.. કચ્છમાં કુળદેવી આઇ આશાપુરાનાં મંદિરે આજે રાત્રે ઘટસ્થાપન સાથે જ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. માતાના મડ ઉપરાંત પરંપરાગત પ્રમાણે ભુજ મધ્યે મા આશાપુરાનાં દર્શને ઉમટે છે.

જુનાગઢ

જૂનાગઢ : શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર મા પરંપરાઓ મુજબ ચૈત્રી નોરતા અંતર્ગત તા. ૧૮ ને રવિવારે સાંજે પ.૩૦ થી ૯.૩૦ સુધી બેઠા ગરબાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આપણા માયભકત શ્રી રાજુભાઇ ભટ્ટ ત્થા નીરૂબેન દવે તથા સાથી કલાકારો સાથે માતાજીના કલાસીકલ ગરબાનું આયોજન કરેલ છે.

માતાજીના ચૈત્રી નોરતાની આઠમ તા. રપ ના રવિવારે યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે. જે સવારના ૮.૩૦ થી બીડુ હોમવાનો સમય બપોરે ૧ કલાકનો રાખેલ છે.

માતાજીના ચૈત્રી નોરતા દરમ્યાન તા. ૧૮ થી તા. રપ સુધી દરરોજ સાંજે ૭.૩૦ થી ૮.૩૦ સુધી દરરોજ માયભકતો દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ પણ રાખેલ છે.

મંદિરનો દર્શનનો સમય સવારે ૬ કલાકેથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી સવારે મંગળા આરતી ૭.૧પ મીનીટે તથા શયન  આરતી સાંજે ૭.૧પ મીનીટે તેમજ બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી માતાજીના દર્શન બંધ રહેશે.

તો આ દરેક કાર્યક્રમમાં જૂનાગઢની માયપ્રિય જનતા તથા માય ભકતોએ લાભ લેવા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ મુકેશભાઇ રાજપરા, રમીલાબેન વેડીયા તથા વિજયભાઇ   કિકાણીએ આમંત્રણ પાઠવું છે.

ઢાંક

ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેઇન બજારમાં આવેલ કાલીકા ગરબી ચોકમાં ચૈત્રી નવરાત્રી પર્વની ધામધુમ પૂર્વક ઉજવવામાં આવશે.

કાલીકા ગરબી મંડળના આયોજક રમેશ રાજયગુરૂ દ્વારા ચૈત્રી નવરાત્રી અને આસો માસની નવરાત્રી પણ ઉજવણી કરવામાં આવે છે.

આ અનોખા માટીના માનવી જે રમેશ રાજયગુરૂ માત્રને માત્ર એક જ વ્યકિતથી આ ગરબીનું સંચાલન કરવામાં આવે છે જેમાં લાઇટીંગ - ડેકોરેશન, બાળાઓને ટ્રેનીંગ અને લાણીની વ્યવસ્થા માત્ર આ રમેશ રાજયગુરૂ દ્વારા કરવામાં આવે છે. તા. ૧૮ ને રવિવારથી ચૈત્રી નવરાત્રી પર્વનો ભવ્ય પ્રારંભ કરાશે. કાલીકા ગરબી ચોકમાં નાની - નાની બાળાઓ રાસની રમઝટ બોલાવશે. ચૈત્રી નવરાત્રીની ઉજવણીમાં રર વર્ષ પુર્ણ કરીને ર૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

કાલીકા ગરબી ચોકમાં માતાજીના દર્શન અને નાની-નાની બાળાઓના રાસ જોવા માટે આયોજક રમેશ રાજયગુરૂ દ્વારા જણાવ્યું છે.

(11:31 am IST)