Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ચૈત્ર નવરાત્ર વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય

કોઇપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાના મહત્વ વિશે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી મદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય ૧૬, શ્લોક ૨૩ અને ૨૪માં આજ્ઞા આપી છે. તેથી નવરાત્રના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જોઇએ.

 વિક્રમ સંવત-૨૦૪૭ ચૈત્ર નવરાત્ર  શરૂ - ચૈત્ર સુદ એકમ - વારઃ રવિવાર તા.૧૮/૩/૨૦૧૮

  ચૈત્ર નવરાત્ર સમાપ્ત- વિક્રમ સંવત -૨૦૭૪ -  ચૈત્ર સુદ આઠમ- વાર રવિવાર- તા.૨૫/૩/૨૦૧૮ આ નવરાત્રમાં નોમનો ક્ષય છે તેથી નવરાત્ર નવને બદલે આઠ નોરતા છે.

નવરાત્રના વ્રત વિશે શાસ્ત્રમાં પ્રમાણઃ

શ્રી મદ્દ ભગવતી ભાગવતના સ્કંધ ત્રીજામાં અધ્યાય ૨૬ થી ૩૦ અંતર્ગત નવરાત્રના વ્રત વિશે માહિતી આપવામાં આવી છે. જેમા જન્મેજમી રાજાના પુજવાથી શ્રી વેદ વ્યાસ ભગવાન નવરાત્રના વ્રત વિશે  કહે છે.

 નવરાત્રના વ્રત વિશે શ્રી વેદ વ્યાસની આજ્ઞાઃ

 હે રાજન! વસંતઋતુ અને શરદઋતુમાં નવરાત્રનું વ્રત ખાસ વિધિપુર્વક અવશ્ય કરવું જોઇએ. કારણ કે આ બંને ઋતુઓ ' યમની દાઢ' એ નામે સર્વલોકમાં કહેવાય છે. આ લોકમાં તે બંને ઋતુઓ પ્રાણીઓ માટે વિતાવવી કઠીન ગણાય છે. તેથી મનુષ્યએ આ વ્રત કાળજીથી કરવું જોઇએ.

  ચૈત્ર અને અશ્વિન માસમાં ભકિતપુર્વક ચંડિકા દેવીનું પુજન કરવું જોઇએ.

 નવરાત્ર વ્રત વિધિઃ

 *વ્રત કરનાર મનુષ્યએ વ્રતના આગલા દિવસે (અમાવસ્યાએ) એકવાર સાદુ અને હલકુ જમવું

* નવરાત્રના પ્રથમ દિવસે ઘરે  અથવા તિર્થ સ્થળે વિધિ પુર્વક સ્નાન કરવું

* દેવીની સૌમ્ય, અત્યંત સુંદર, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરતાં સિંહ ઉપર બેઠેલા રત્નો મોતીના હારથી શોભતા ચંદ્રજગોથી સ્તવન કરાતા  શ્રી દેવીને સિંહાસન પર સ્થાપવા અથવા ભુજાવાળા સનાતની દેવીને પુજા માટે લઇ શકાય

*દેવીના પાઠ કરવા માટે નવ, પાંચ, ત્રણ કે એક બ્રાહ્મણ કહેલ છે.

* પ્રથમ ઉપવાસ, રાત્રિ ભોજન અથવા દિવસમાં એક વખત ભોજનનો નિયમ લેવો પુજા કરવી અને શ્રી શિવાદેવીને આમ પ્રાર્થના કરવી.

 હે માતા! હુંં સર્વોતમ નવરાત્ર વ્રત કરીશ, માટે હે માતા! હે દેવી જગદંબા! તમે મને સંપુર્ણ સહાય કરજો.

 શ્રી દુર્ગા માતાનું પુજનઃ

 ચંદન, અગરુ, કપુર , કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના પુષ્પો, સુંદર બિલ્લીપત્ર, ધુપ તથા દિપકો વડે વિધિથી માતાજીનું પુજન કરવું

 શ્રી દુર્ગા માતાને નાળીયેર, બીજોરા, દાડમ, કેળા, નારંગી, ફણસ, બીલા તથા ઋતુ અનુસાર અમૃત જેવા સ્વાદિષ્ઠ ફળો અર્પણ કરવાં.

 કુમારીકાઓનું પુજન કરવું

 અશકત મનુષ્યો માટે નવરાત્ર વ્રતઃ

શ્રી  વેદ વ્યાસ કહે છે કે '' હે રાજન! નવરાત્રના વ્રતમાં (દરરોજ) ઉપવાસ કરવાં પણ  જેઓ અશકત હોય તેઓ માટે (આંતરે આંતરે) ત્રણ ઉપવાસો કહયાં  છે. તે પણ શાસ્ત્રોમાં કહયા મુજબનું ફળ આપે છે.

 સાતમ આઠમ અને નોમના દિવસે ખુબ ભકિતભાવ તથા શ્રધ્ધાથી શ્રી દુર્ગામાતાનું પુજન કરવાથી સર્વ ફળ મળે છે.

 નવરાત્ર વ્રતનું  ફળઃ

 પુજા, હોમ, કુમારીકાઓનું પુજન તથા બ્રહ્મભોજન કરાવવાથી આ વ્રત સંપુર્ણ થયેલું કહેવાય છે. શ્રી વેદ વ્યાસ કહે છે કે, આ વ્રત સ્વર્ગદાયી તથા ધનધાન્ય, સુખ, આરોગ્ય, વિદ્યા, યશ, સૌભાગ્ય આપનાર છે, તેથી મનુષ્યએ આ વ્રત શાસ્ત્રવિધિ મુજબ ખુબ શ્રધ્ધા ભકિતપુર્વક શ્રી દુર્ગામાતાનું આ કલ્યાણકારી નવરાત્ર વ્રત કરવું

 સંકલન :  શ્રી નિશીથ ઉપાધ્યાય

 સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

મો.નં.૯૨૨૭૫ ૪૬૫૫૫

(11:30 am IST)