Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જામનગરની બેંકોમાં આધાર કામગીરીની વ્યાપક ફરિયાદ ; કોંગ્રેસની જનતા રેડમાં પોલંપોલ ખુલી

એકપણ નાગરિકને આધારકાર્ડ મળ્યું નથી જોકે કાઉન્ટર સંભાળતા કાર્મચારીને અઢી માસનો પગાર ચૂકવી દેવાયો

 

જામનગરઃ જામનગરની બેંકોમાં આધારકાર્ડ કામગીરીમાં લોલમલોલ જેવી સ્થિતિ ચાલતી હોય જેથી કોંગ્રેસની આગેવાનીમાં જનતા રેડ કરવામાં આવી હતી.જામનગર શહેરની બેંકો સરકારના આદેશ બાદ પણ આધારકાર્ડ આપવા મામલે ગંભીર ના હોય અને બેંકોમાં ખાલી કાઉન્ટર ચાલુ કરી દીધા હોય પરંતુ નાગરિકોને આધારકાર્ડ મળતા ના હોય તેવી વ્યાપક ફરિયાદોને પગલે આજે શહેર કોંગ્રેસ અને મહિલા મોરચાએ જામનગર શહેરની બે બેંકોમાં જનતા રેડ કરી હતી જેમાં બેડી ગેટ નજીકના અંજારિયા કોમ્પ્લેક્ષમાં આવેલ સિન્ડીકેટ બેંકમાં આધારકાર્ડનું કાઉન્ટર તો હોય પરંતુ અહી આધારકાર્ડ મળતા ના હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું

  શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેઠીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ બેંકના કાઉન્ટરમાંથી એકપણ નાગરિકને આધારકાર્ડ મળ્યું નથી જોકે કાઉન્ટર સંભાળતા રૂપલબેન ભટ્ટ નામના કાર્મચારીને અઢી માસનો પગાર ચૂકવી દેવાયો છે તો તે ઉપરાંત પીએન માર્ગ પર હોસ્પિટલ સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં પણ જનતા રેડ કરવામાં આવી હતી જે બેંકનું આધારકાર્ડ કામગીરીનું કાઉન્ટર ૨૦ દિવસથી બંધ હતું અને આજે જ શરુ કરવામાં આવ્યું હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું. શહેર કોંગ્રેસ સાથે મહિલા કોંગ્રેસ પ્રમુખ પુજાબેન નકુમ અને મહિલા મોરચાના કાર્યકરો પણ જનતા રેડમાં જોડાયા હતા તો બેંકોમાં આધારકાર્ડ કામગીરીની પોલ છતી થઇ હતી અને યોગ્ય કામગીરી ના થતી હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા.

 

(9:36 am IST)