Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મોરબીના ચાંચાપરમા ઘરમાં ઘૂસીને મહિલાને માર મારવાના કેસમાં ભુજ પીએસઆઇ અને તેના પરિવારના ચાર સભ્યોને 1 વર્ષની સજા

બહેન રિસામણે હોવાથી ચાંચાપરમા બહેનના સાસરિયાના ઘરે બઘડાટી બોલાવી હતી

 

મોરબીઃ મોરબીના ચાંચાપર ગામે ઘરમાં ઘુસી બે મહિલાઓને માર મારવાના કેસમાં કોર્ટમાં મોરબી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી આરોપી ભુજ પીએસઆઈ સહીત તેના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષની સજા ફટકારી છે

  કેસની વિગત મુજબ મહેશ ટેટીયા નામના પોલીસ કર્મચારીની બહેન ચાંચાપર સાસરે હોય જે રીસામણે હોવાથી આ બાબતે પોલીસ કર્મચારી મહેશ ટેટીયા, તેના પિતા હરખજી ટેટીયા, ભગવતીબેન ટેટીયા અને ઉર્મિલાબેન ટેટીયા સહિતનાઓએ તા. ૦૩-૦૯-૨૦૧૪ ના દિવસે ચાંચાપરમાં બહેનના સાસરિયાના ઘરે પહોંચી બઘડાટી બોલાવી હતી જેમાં ઘરે રહેલા બહેનના નણંદ અસ્મિતાબેન ભુદરભાઈ પટેલ અને તેની માતા અનસોયાબેન પટેલને માર મારવામાં આવ્યો હતો જે બનાવ અંગે અસ્મીતાબેન પટેલ મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી જોકે પોલીસે માત્ર એનસી નોંધ કરી હતી  જીલ્લા પોલીસવડાએ પણ પરિવારની ફરિયાદ ના સાંભળતા અસ્મીતાબેને વકીલ નરેન્દ્રસિંહ ઝાલા મારફત મોરબીની કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરી હતી જે મારામારી અંગે કેસ ચાલી જતા આજે ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ પટેલે આરોપી જે મહેશ ટેટીયા જે તે વખતે રાજકોટ પોલીસમાં અને હાલ ભુજ પીએસઆઈ તરીકે કાર્યરત હોય તે ઉપરાંત તેના પિતા હરખજીભાઇ, ભગવતીબેન અને ઉર્મિલાબેન એ ચાર આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે તેમજ ૧૦૦૦ રૂપિયાનો દંડ અને ભોગ બનનારને ૨૦,૦૦૦ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

   ઉલ્લેખનીય છે કે આરોપીની બહેન રીસામણે હોય અને આરોપી ખાખીધારી હોવાથી ખાખીનો રોફ જમાવી બહેનના સાસરિયાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કોર્ટે ખાખીના નશામાં ભાન ભૂલી જનાર પીએસઆઈને સજા ફટકારી ખાખીનો નશો ઉતારી દીધો છે.

(9:59 am IST)