Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જુનાગઢ : દુષ્કર્મના આરોપી ખોટા પુરાવા ઉભા કરવાના કિસ્સામાં તપાસનીશ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવા હુકમ

માંગરોળના શિક્ષકનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ : કોઇ વ્યકિતને ખોટી રીતે ફસાવી કાયદાનો દુરૂપયોગ કરી શકાય નહિ : મહત્વનો ચુકાદો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭ :  સગીરબાળા સાથેના દુષ્કર્મના આરોપીનું નિર્દોષ ઠરાવી આ કેસનાં સાક્ષીઓ તથા આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

જયારે રાગદ્રેષ સાથે કોઇ વ્યકિતને ખોટી ગુનામાં ફસાવી તેને કાયદાનો દુરઉપયોગ કરી કોર્ટને હાથો બનાવી સજા કરવા કે સમાજમાં હલકો ચિતરવાના કે હેરાન કરવાના મલીન ઇરાદાથી ખોટી હકીકતો વાળો ફોજદારી કેસ કરવામાં આવે ત્યારે આવા કેસના આરોપીને કોર્ટ નિર્દોષ છોડી મુકી આવા કેસના સાક્ષીઓ વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

આવાજ કંઇક કેસની સુનાવણી જુનાગઢ નાં એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુમારી તૃપ્તી પડયાની કોર્ટમાં હાથ ધરાયેલ તે કેસ મુળ માંગરોળ તાલુકાના દિવરાણા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ બાબુભાઇ ચુડાસમા વિરૂધ્ધ માંગરોળ તાલુકાના શીલ ગામના પોલીસ સ્ટેશનમાં તા. ર૯-૧ર૧ર૦૧પના રોજ દિવરાણા ગામનાં એક શખ્સે પોતાની સગીર દિકરીની છેડતી વિગેરે કરવા બદલ ઇ.પી.કો. ૩પ૪ (એ) તથા પોકસો એકટની વિવિધ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરેલ.

આ ફરીયાદની તપાસ બાદ કોર્ટમાં કેસની સુનવણી હાથ ધરાયેલ અને તેમાં ભોગ બનનાર સગીરા તથા તેના માતા-પિતાની તેમજ અન્ય સાક્ષીઓની કોર્ટમાં જુબાની નોંધવામાં આવેલ, તે તમામ જુબાનીનો પુરાવો તથા અન્ય સંયોગીક પુરાવાને ધ્યાને લઇને તેમજ આરોપી પક્ષના વકીલ આર. કે. બુચ તથા વકીલ આર.બી. પરમારની દલીલો તથા તેમના દ્વારા રજુ કરાયેલા ઉચ્ચ અદાલતોના જજમેન્ટોને ધ્યાને લઇ કોર્ટે કેસના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ આ કેસમાં ખોટા પુરવા આપવા બદલ માંગરોળ તાલુકાના દિવરાણા ગામના તુલસી પ્રાથમિક સ્કુલ વાળા રમેશભાઇ ઉકાભાઇ મોકરી તથા તેમના પત્ની જે તત્કાલીન માંગરોળ તાલુકાના પંચાયતના સદસ્ય હતા. તે નિતાબેન રમેશભાઇ મોકરીયા ત્યાં દિવરાણાના રમેશભાલ ગોવિંદભાઇ રાદડીયા અને પ્રફુલભાઇ લીલાભાઇ કિદરખેડીયા દરેકને રૂ. ૧૦૦૦ નો દંડ કરીને તે રકમ આરોપીને આપવા તેમજ આ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દિન-૩૦માં તેનો રિપોર્ટ રજૂ કરવા શીલ પોલીસને હુકમ કરેલ છે તથા આરોપીને આ ખોટો કેસ કરવા અંગે વળતર ચુકવવા સરકાર વિરૂધ્ધ હુકમ કરેલ છે.

તેમજ આરોપી કે જે શિક્ષક હતા તેની વિરૂધ્ધની ખાતાકીય તપાસ માટે અને હુકમની નકલ ધ્યાને લેવા તથા દીવરાણા ગામે જે તુલસી પ્રાથમિક શિક્ષણ નામની સ્કુલ ચાલે છે તે સ્કુલમાં ફરજ બજાવતા દર્શકોની શૈક્ષણીક લાયકાત વિગેરેની તપાસ કરી દિન-૬૦માં કોર્ટમાં રિપોર્ટ રજુ કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને હુકમ કરેલ છે. તથા આ કેસની તપાસ કરનાર શીલ પોલીસ સ્ટેશનનાં તત્કાલિન પોલીસ સબ ઇન્સ્પેકટર વલ્લભભાઇ મોહનભાઇ ભોરણીયા વિરૂધ્ધ તપાસમાં બેદરકારી કરવા બદલ કાર્યવાહી કરવા જુનાગઢના ડી.એસ.પી.ને હુકમ કરેલ છે.

આમ ખોટી ફરીયાદ કે કોર્ટમાં ખોટા પુરાવો રજુ કરતા લોકોમાં ખોટા પુરાવાઓ રજુ કરાવતા લોકો માટે આ હુકમ લાલબતી સમાન છે.

(12:48 pm IST)