Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગોંડલ પાલિકાની ૫ અને તાલુકા પંચાયતની એક બેઠકમાં ભાજપ બિનહરીફ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૭: ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠક માટે ૧૩૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ૧૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, વોર્ડ નંબર ૨ ની ૩ બેઠક અને વોર્ડ ૭ ની ૨ મહિલા બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાના ખાતે ૫ બેઠક ફાઇનલ કરી લઇ વિજય નાં શ્રી ગણેશ કરતાં ભાજપ જૂથ ગેલમાં આવી જવા પામ્યું છે.

વોર્ડ નંબર ૨ માં ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા ભદ્રસિંહ ઝાલા, નરેશભાઈ છોટુભાઈ ચાવડા, વીણાબેન ધર્મેન્દ્રભાઈ પંડ્યા, અજય જયરામભાઈ ગોવાણી, વિજયાબેન બાવનજીભાઇ વાવડીયાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરુ, શીતલબેન સમીરભાઈ કોટડીયા અને હર્ષદભાઈ વાદ્યેલા બિનહરીફ જાહેર થયા હતા, જયારે વોર્ડ નંબર સાતના નિશાબેન રાજુભાઈ લખતરિયા અને સરસ્વતીબેન આશુતોષ ભટ્ટએ ઉમેદવારી પાછી ખેંચતાં ભાજપના પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા અને વિભાબેન તુષારભાઇ પંડ્યાબિન હરીફ જાહેર થતા ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં પાંચ બેઠક આવી જવા પામી છે, વોર્ડ નંબર ૧માં સુરેશસિંહ અનુપસિંહ ગોહિલ, વોર્ડ નંબર ૩ દીપકભાઈ મંગુભાઈ શિયાળ, આમદભાઈ અહેમદભાઈ ચૌહાણ, વોર્ડ નંબર ૪ હેમીબેન કેશુભાઈ પીપળીયા, ભગુભાઈ બચુભાઈ સોલંકી, વોર્ડ નંબર ૧૧માં રમેશભાઇ દેવજીભાઇ રૈયાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.

ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ સીટ માટે ભરાયેલા ૫૮ ઉમેદવારી ફોર્મ માંથી સુલતાનપુર સીટ ઉપરથી કોંગ્રેસના ચંપાબેન ધીરજભાઈ ખાતરાએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મંજુલાબેન દામજીભાઈ ગોંડલીયા બિનહરીફ થતા તાલુકા પંચાયતની એક બેઠક ભાજપના ભાગે જવા પામી હતી. મોટા દડવાના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા ૨૧ બેઠક માટે ૫૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે.

(11:25 am IST)