Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કંડલાથી કરાંચી જઈ રહેલા જહાજમાંથી કાર્ગો અનલોડ કરાયો, ન્યુક્લિયર મિસાઈલ ટેકનોલોજીનાં સાધનો હોવાની આશંકા *હોંગકોંગ થી પાકિસ્તાન જતા શિપમાં ૨૨ ચીની ક્રુ મેમ્બરો

(ભુજ) કચ્છનાં કંડલા બંદરેથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને સપ્તાહ પહેલા અચાનક અટકાવી દેવામાં આવ્યું હતું. આ જહાજ હોંગકોંગથી કચ્છનાં કંડલા બંદરે આવ્યું હતું. અને ત્યારબાદ કરાંચી જવાની તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે જ તેને અટકાવી દેવામાં આવતા ભારતીય ગુપ્તચર એજન્સીઓના કાન સરવા થઈ ગયા હતા. હવે આ શિપમાં રહેલો સામાન એટલે કે કાર્ગો કંડલા બંદરે જ ઉતારી દેવાનાં આદેશ કરવામાં આવ્યા છે. જેને પગલે આ કાર્ગોને કંડલા પોર્ટનાં ૧૩ નંબરના ગોડાઉનમાં ટાઈટ સિક્યોરિટી વચ્ચે અનલોડ કરીને સોમવારે મૂકી દેવામાં આવ્યો છે.

આ શિપમાં જે  ૨૨ ક્રુ મેમ્બર છે ચીનના હતા. તે ઉપરાંત જહાજમાં જે સામાન હોવાનું બહાર આવ્યું છે પરમાણુ ટેક્નોલોજીમાં મિસાઈલ માટે ઉપયોગમાં લેવામાં આવે તેવો છે. જેને કારણે ભારે ગુપ્તતા વચ્ચે છેલ્લા સપ્તાહથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હતું. સમગ્ર મામલો એટલો સંવેદનશીલ હતો કે શિપને શા માટે અટકાવવામાં આવ્યું છે તે મામલે કંડલા પોર્ટ તેમજ સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા જે તે સમયે ભેદી ચુપકેદી સેવી લેવામાં આવી હતી.

સપ્તાહ પહેલા રવિવારે કંડલા પોર્ટની જેટી નંબર ૧૫ ઉપર લાંગરેલા હોંગકોંગ ફ્લેગ શિપવાળા સિયુઆઈ યુન નામના જહાજને કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું હોવાની વાત બહાર આવી છે. શિપને અટકાવી દેવામાં આવતા કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ દોડતી થઈ ગયી હતી. 

શિપમાંથી કાર્ગો અનલોડ કરવા અંગે કંડલા પોર્ટના ટ્રાફિક મેનેજર કૃપા સ્વામીએ સમર્થન આપતા કાર્ગો ૧૩ નંબરના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

(8:48 pm IST)