Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કચ્છમાં વાતાવરણ ભડકાવવા પ્રયાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૭: કચ્છનાં માંડવી તાલુકામાં આવેલા ભોજાય ગામનાં એક વ્યકિતને નનામો પત્ર મળ્યો છે. જેમાં તેને ખતમ કરીને ટુકડા-ટુકડા કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં કચ્છનાં લઘુમતિઓ સારા હોવાની વાત કરીને ભુજનાં અમુક લઘુમતિજનો ભાઈચારમાં નથી માનતા એમ લખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીવાળા આ લેટરને કારણે સોમવારે માંડવી તાલુકાનાં સંઘાર સમાજનાં લોકો ગઢસીસા પોલીસ મથકે દોડી આવ્યા હતા. કથિત નનામા પત્રને કારણે ગઢસીસા પંથકમાં ફરી એકવાર કોમી લાગણી ભડકાવવાનો પ્રયાસ થયાનું ચર્ચાય છે.

થોડા સમય પહેલા કચ્છનાં માંડવી તાલુકામાં આવેલ ભોજાય ગામમાં આવેલી ધાર્મિક સ્થળ આગળ પેશાબ કરવા અંગેની પોલીસ ફરિયાદ થઈ હતી. તેમાં જે વ્યકિતને આરોપી તરીકે દર્શવાવામાં આવ્યો હતો તેને આ નનામો ધમકી આપતો લેટર પોસ્ટ મારફતે તેના ઘરે મોકલવામાં આવ્યો છે. જેને કારણે ફરી એકવાર માંડવીના ગઢસીસા પંથકના ગામોમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જયાં સંઘાર સમાજનાં લોકોએ આ અંગે પોલીસને રજુઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર આપ્યું હતું. ઇન્સ્પેકટરશ્રી રમેશ ગોજીયાએ લોકોને સંયમ જાળવવા માટેની અપીલ સાથે પોલીસ કાર્યવાહીની ધરપત પણ આપી હતી. સંઘાર સમાજનાં અગ્રણીઓ શિવજીભાઈ સંઘાર તથા પીપરી ગામનાં પૂર્વ સરપંચ વાલજીભાઇ સંઘાર સહિતનાં લોકોએ નનામા પત્રને કારણે કચ્છમાં કોમી એકતા અને ભાઈચારાનાં વાતાવરણને ડહોળતા અટકાવવા માટે પોલીસ સમક્ષ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી કચ્છમાં, ખાસ કરીને માંડવીના ગઢસીસા પંથકમાં કોમી એકતાને ખતરારૂપ ઉપરાંત કાયદો વ્યવસ્થાને નિશાન બનાવતી ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. જેના મૂળમાં ઢીલી કાર્યશૈલી જવાબદાર હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

(3:33 pm IST)