Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જૂનાગઢના યુવાનની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : બે શખ્સોની ધરપકડ

મૃતકને માર માર્યા બાદ તેને ભાનમાં લાવવા આરોપીઓએ નવડાવેલ : દાર્શનીક પુરાવા ન હોવા છતાં પોલીસને સફળતા

જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢના વિજય હીરાભાઇ ઘુઘલ (ઉ.૩૨) નામના યુવાનની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલીને બે શખ્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વિજય ઘુઘલ નામના શ્રમિક યુવાનની ઇજાગ્રસ્ત લાશ શનિવારની સાંજે પરમાર વાડી પાછળની જગ્યાના એક ઓટા ઉપરથી મળી આવી હતી.

આ અંગે મૃતકના પિતા હિરાભાઇ આલાભાઇ ઘુઘલની સાગર પ્રવિણ રાઠોડ અને રાહુલ ચંદુ વાળા સામે વિજયની હત્યાની ફરિયાદ લઇ એ-ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ-ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઇ વગેરેએ તપાસ હાથ ધરી હતી.

અને ગણતરીના જ કલાકોમાં હત્યારા સાગર રાઠોડ અને રાહુલ વાળાની ગત રાત્રે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઇન્ચાર્જ પી.આઇ. જયદેવ ગોસાઇએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, યુવાનની હત્યા અંગે બાતમીદારોની મદદથી બંને શખ્સોની ધરપકડ માટે સફળતા મળી છે.

શ્રી ગોસાઇએ વધુમાં જણાવેલ કે, પ્રથમ સાગર અને રાહુલની શકમંદ તરીકે અટકાયત કરી યુકિત પ્રતિયુકિતથી પૂછપરછ કરતા બંને જણા પોપટ થઇ ગયા હતા અને વિજયની પૈસાની લેતીદેતીના પ્રશ્ને લાકડીથી માર મારીને હત્યા કર્યાની કબુલાત કરી હતી.

બંને હત્યારાએ વિજયને લાકડી વડે માર મારતા તે બેભાન થઇ ગયો હતો આથી તેને નવડાવીને ભાનમાં લાવવા બંને ખૂનીઓએ પ્રયાસો કર્યા હતા. આમ છતાં વિજય ભાનમાં નહિ આવતા તેને એક ઓટા ઉપર સુવડાવીને બંને નાશી ગયા હતા.

બાદમાં સાગર અને રાહુલે વિજયના કાકાને ફોન કરીને વિજય વધુ દારૂ પી ગય હોય તેથી ઓટા ઉપર સુતો છે તેમ કહીને જાણ કરી હતી.

પી.આઇ. જે.પી.ગોસાઇએ વધુમાં જણાવેલ કે, બંને આરોપીએ પોતે હત્યા કરી નથી તેમ સમજીને બંનેએ વિજયના સગા વ્હાલા અને પોલીસની હિલચાલ પર નજર રાખી હતી.

પરંતુ પોલીસે દાર્શનીક પુરાવાના અભાવે પણ બંને હત્યારાને ઝડપી લઇ વિજય ઘુઘલની હત્યાનો ભેદ ઉકેલ્યો હોવાનું શ્રી ગોસાઇએ જણાવ્યું હતું.

(1:06 pm IST)