Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતું જહાજ કંડલા બંદરે કસ્ટમે અટકાવ્યું: સઘન તપાસ

જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી હોવાની આશંકા

કચ્છ :કંડલા બંદરેથી પાકિસ્તાન જતા ચીનના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે  સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે.

 જહાજ પર 22 ક્રુ મેમ્બર સવાર હતા. કંડલા બંદરથી જેટી નંબર 15 પર આ જહાજ ઉભુ છે. હાલ કંડલા બંદરની વિવિધ ટીમો જહાજની તપાસમાં લાગી ગઈ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, જહાજને 3 ફેબ્રુઆરીના રોજ રોકવામાં આવ્યું હતું. આ જહાજ પર હોંગકોંગનો ઝંડો લાગેલો હતો. ડીઆરડીઓની ટીમ આ જહાજની તપાસ કરી ચૂકી છે. ડીઆરડીઓના મિસાઈલ વૈજ્ઞાનિકોની એક બીજી ટીમ જહાજનું આજે નિરીક્ષણ કરશે. આ જહાજને કબજામાં લેવાની માહિતી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને આપવામા આવી ચૂકી છે.

 કસ્ટમ વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, તેઓને માહિતી મળી હતી કે, ચીનથી ગુજરાત અને પછી ત્યાંથી કરાંચી જઈ રહેલા જહાજમાં સંદિગ્ધ રીતે કેટલોક સામાન લઈ જવામાં આવી રહ્યો છે.

(12:22 pm IST)