Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

દ્વારકાનાં ડીઆરડીએ નિયામક અનિલભાઇ વાઘેલા પત્ની કરૂણાબેન સહિત ૩નાં ચોટીલા પાસે અકસ્માતમાં મોતથી અરેરાટી

પ્રથમ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર,  બીજી અને ત્રીજી તસ્વીરમાં મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન, ચોથી તસ્વીરમાં ઘટના સ્થળે લોકો, પાંચમી તસ્વીરમાં મૃતક અનીલ વાઘેલા તેમના પત્નિ તથા બન્ને બાળકોની ફાઇલ તસ્વીર તથા છઠ્ઠી તસ્વીરમાં ખંભાળીયાના વિપ્ર પરિવારનો આધાર સ્થંભ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : હેમલ શાહ ચોટીલા), ફઝલ ચૌહાણ (વઢવાણ), કૌશલ સવજાણી -ખંભાળીયા)

વઢવાણ-ચોટીલા-ખંભાળીયા,તા.૧૭: રવીવારનાં સવારનાં અમદાવાદ તરફ જતી કાર ને ફોરવ્હીલ કાર નાળા સાથે ધડાકાભેર અથડાઇ પડતા ત્રણ વ્યકિતનાં ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયા છે. અને એક યુવાન અને એક માસુમ બાળકીને ઈજાઓ પહોચેલ છે.

અકસ્માત અંગે જાણવા મળતી વિગત મુજબ સાંગાણી મઘરીખડા વચ્ચે આવેલ આવેલ કૃષિ સંશોધન કેન્દ્ર સામે આવેલ નાળા સાથે ધડાકાભેર એક કાર અથડાતા અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવેલ હતા અને કારમાં રહેલ ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં આવેલ હતા જેમા એક મહિલા અને બે પુરૂષોનાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયાં હતાં જયારે એક પાચ વર્ષની બાળકી અને યુવાનને ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ.

અકસ્માતની પોલીસને જાણ થતા બનાવ સ્થળે દોડી ગયેલ અને મૃતકોને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ.

અકસ્માતમાં ભોગ બનનારા દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ડીઆરડીએનાં ચાર્જમાં રહેલ નિયામક અને અધિક કલેકટર એવા અધિકારી અનિલભાઈ પ્રેમાનંદભાઇ વાઘેલા, તથા તેમના ધર્મપત્ની કરૂણા બેન, તથા આઉટ સોર્સિગ થી ઓપરેટર તરીકે ફરજ બજાવનાર જામ ખંભાળિયા નો કાર ચાલક યુવાન દિપ ગીતેશભાઇ સાતા નાં ઘટના સ્થળે જ મોત નિપજેલ જયારે મૃતક અધિકારીની પૌત્રી રીહાના અને અન્ય કર્મચારી રવી ભાયાભાઇ વારગીયા ને ગંભીર ઈજાઓ પહોચેલ હતી.

જાણવા મલ્યા મુજબ મુળ કપડવંજ નાં વતની અને હાલ આણંદ ખાતે વાઘેલા પરીવાર રહે છે. અને જામ ખંભાળિયા ફરજ બજાવતા ખુબ સાલસ અને લાગણીસભર પરિવારની ભાવનાથી સ્ટાફમાં લાગણી જીતનાર અધિક કલેકટર એવા નિયામક અનિલભાઇનો ગત તા. ૧૧ નાં રોજ જન્મ દિવસ હોવાથી ઉજવવા પૌત્રી ને લઈને દાદી જામ ખંભાળિયા આવેલ રવીવારનાં વહેલી પરોઢે આણંદ જવા માટે નીશાન કંપનીની સન્ની ગાડી લઈ ને બે કર્મચારી અને પરિવારજનો જતા હતા ત્યારે ચોટીલા થી આગળ ચાર કીમી દૂર જતા કોઇ અગમ્ય કારણોસર ચાલકે પોતાનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર નાળા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

ઈજાગ્રસ્ત રવીભાઇએ અકસ્માત અંગે પોલીસને જણાવેલ કે વહેલા નિકળેલ હોવાથી હું ડ્રાઇવીંગ કરી રહેલ દીપ સાથે આગળ બેસેલ હતો અને સાહેબ, બેન અને રીહાન પાછળ હતા બધા લોકો સુતા હતા અચાનક કાર ઢસડાતા ધડાકો થતા જાગી ગયા હતા.રાત્રે મિટીંગમાં રહેલા અધિકારીઓ પણ આ સમાચાર સવારે થયેલને દુઃખના દરિયામાં ડૂબી ગયા હતા. સામાન્ય રીતે ટ્રાવેલ્સની બસમાં અપડાઉન કરતા આ અધિકારી ફેમિલી હોય કારમાં જવા નીકળેલા અને તે જિંદગીની આખરી સફર બની ગઇ.

જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રભાઇ મીના તેમના પી.એ. જયદીપ જોશી વિ.એ બનાવની જાણ થતાં તેમના કુંટુંબીજનોને જાણ કરેલી  કટેલી તથા ઘટના અંગે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીે.કે જાડેજા, જિ.પં. પ્રમુખ પી.એલ. જાડેજા તથા ડી.આર.ડી. એ શાહે શોકાંજલિ આપી હતી.

મૃતક કરૂણાબેનનાં અંતિમ શબ્દો ભાઇ એકસીડન્ટ થયુ છે. ખુબ વાગ્યું છે

અકસ્માત ની જાણ થતા આણંદ થી આવેલ મૃતક મહિલાના ભાઇ મનુભાઇએ જણાવેલ કે કોઇએ કરૂણાબેનનાં મોબાઇલ માંથી લાસ્ટ ડાયલ પર કોલ કરતા આણંદ રહેતા મારા બીજા બેનને લાગેલ જેઓએ મને કોન્ફરન્સમાં વાત કરાવતા બેન ખાલી એટલુજ જણાવી શકેલ હતા એકસીડન્ટ થયુ છે ભાઇઙ્ગ ખુબ વાગ્યું છે.

નિવૃતી પછી પરિવાર સાથે જીવવા મળશે પણ માતા પિતાની સાથે છત્રછાયા ગુમાવી

અકસ્માતમાં મૃત્યુ ને ભેટનાર અનિલભાઈ આ મહિનાની ૨૮ તારીખે વય મર્યાદા ને કારણે નિવૃત થતા હતા પપ્પા સાથે મમ્મી અને પરિવારને રહેવા મળશે તેવી આશા હતી પરંતુ નિવૃત થાય તે પહેલાજ કહેવાય છે ને કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે અને એક સાથે પતિ પત્ની બંન્નેએ અનંતની વાટ પકડતા ચોટીલા દોડી આવેલ પરિવાર વૃજઘાતથી કરૂણ આક્રંદ કરતો રહી ગયેલ હતો

કરૂણ અકસ્માતમાં અધિક કલેકટર સહિત ત્રણનાં મોત નિપજતા ચોટીલા પ્રાત આર બી અંગારી, મામલતદાર પી એલ ગોઠી, દ્વારકાનાં આરએસી કે એન. જાની, ડે. ડીડીઓ શ્રીવાસ્તવ તેમજ કર્મચારી સ્ટાફ અને મૃતકના સગા સંબંધી અને પરિવારજનો ચોટીલા દોડી આવેલ હતા.

અકસ્માતમાં ખંભાળીયાના વિપ્ર પરિવારનો આધાર છીનવાયો

 ખંભાળીયા તા. ૧૭ : દેવભૂમિ જિલ્લાના ડી.આર.ડી.એ. નિયામક અનિલભાઇ પ્રેમચંદ વાઘેલાની કારને અકસ્માત થતાં ચોટીલા પાસેના અકસ્માતે વાઘેલા પરિવારમાં ખૂબ જ કરૂણ ઘટના બનાવી તેવી જ રીતે તે કારમાં બેસેલા દીપ ગીતેશભાઇ સાતા નામના વિપ્ર યુવાનના મોતથી ખંભાળીયામાં વિપ્ર પરિવાર માથે પણ વજ્ર ત્રાટકયા જેવું થયું છે.

ખંભાળીયાના સાસ્વત બ્રાહ્મણ ગીતેશભાઇ (ભીખુભાઇ) હીરાલાલ સાતાનો પુત્ર દિપ (ઉ.વ.૨૨) વાળો ખંભાળીયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આઉટ સોર્સીંગ કલાર્ક તરીકે નોકરી કરતો હતો તથા હજુ અપરણીત હતો.

તેમના અધિકારી અનિલ વાઘેલા વતનમાં રજા પર જતા તે તથા તેમનો કર્મચારી રવિ વારંગીયા કાર લઇને તેમને આણંદ મુકવા જતા હતા અને ચોટીલા પાસે અકસ્માતમાં નિયામક અનિલ વાઘેલા સાથે દીપ સાતાનું પણ મોત નિપજ્યું. દીપના પિતા લકવાગ્રસ્ત છે તથા તેમના પરિવારમાં દીપ તથા તેની બેન બે હતા જેમાં બહેનના જામનગર લગ્ન થયેલા અને દીપ અપરણીત હતો. વિપ્ર પરિવારના ઉપર વજ્રઘાત જેવી સ્થિતિ થઇ છે. બનાવની જાણ થતાં દીપના મિત્ર કૃણાલ તથા પપુભાઇ જોશી, વિપુલભાઇ જોશી વિ. પરિવારજનોની સહાયતા માટે પહોંચી ગયા હતા.

(11:47 am IST)