Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બે દિવસથી ગૂમ વઢવાણ રતનપરના મુકેશભાઇ ડાભીનું ગોંડલ પાસે 'હિટ એન્ડ રન'માં મોત

શનિવારે સાંજે ચોટીલા સાળાના ઘરે નશાની હાલતમાં તોફાન કર્યા બાદ ત્યાંથી નીકળી ગયા'તાઃ છેલ્લે રાજકોટ ફુવાને મળી જુનાગઢ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા બાદ અકસ્માતમાં કાળ ભેટી જતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: રવિવારે સાંજે ગોંડલમાં મુખી પેટ્રોલ પંપ પાસે સુરેશ્વર ચોકડફી નજીક રસ્તો ઓળંગી રહેલા વઢવાણના રતનપરના કોળી યુવાન મુકેશભાઇ હસમુખભાઇ ડાભી (ઉ.વ.૩૨)નું  'હિટ એન્ડ રન'ના બનાવમાં મોત નિપજ્યું છે. આ યુવાન ચોટીલા તેમના સાળાના ઘરે પત્નિ સાથે આવ્યા હતાં. ત્યાં નશો કરી તોફાન કર્યા બાદ શનિવારે સાંજે ઘરેથી નીકળી ગયા હતાં. એ પછી રાજકોટ ફુવાને મળી જુનાગઢ લગ્નપ્રસંગમાં જવાનું કહીને નીકળ્યા હતાં પણ ત્યાં પહોંચ્યા ન હોઇ બધા તેને શોધતાં હતાં ત્યાં આ બનાવ બન્યો હતો.

મુકેશભાઇ ગત સાંજે ગોંડલમાં સુરેશ્વર ચોકડીએ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણી બસનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ  અહિ દમ તોડી દીધો હતો. તેની પાસેથી મળેલા ફોન નંબરને આધારે તેમના સાળા હિતેષભાઇ નારણભાઇ સાંગાણી કે જે ચોટીલા રહે છે અને તે ગઇકાલે જુનાગઢ લગ્ન પ્રસંગમાં હોઇ તેમને જાણ થતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી.

મુકેશભાઇ લાદીકામ કરતાં હતાં અને બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. સાળા હિતેષભાઇના કહેવા મુજબ અમારે બધાને જુનાગઢ લગ્નમાં જવાનું હોઇ બનેવી મુકેશભાઇ, મારા બહેન સહિતના શનિવારે મારા ઘરે આવ્યા હતાં. એ વખતે હું બહાર હતો. બનેવી નશો કરી તોફાન કરતાં હોઇ મને બહેનનો ફોન આવ્યો હતો. આથી મેં એક સગા એવા પોલીસવાળાને મારા ઘરે જઇ બનેવીને સમજાવવા માટે મોકલ્યા હતાં. પણ પોલીસવાળા ત્યાં પહોંચ્યા એ પહેલા બનેવી મુકેશભાઇ ઘરેથી નીકળી ગયા હતાં.

એ પછી બનેવી મુકેશભાઇ રાજકોટ રહેતા ફુવાના ઘરે ગયા હતાં અને ત્યાંથી જુનાગઢ લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ ત્યાં આવ્યા ન હોઇ બધા તેમને શોધતા હતાં ત્યાં ગઇકાલે ગોંડલમાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ગોંડલ પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)