Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કચ્છ જિલ્લામાં સરકારી આરોગ્યલક્ષી યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા આશાવર્કર બહેનોની મહત્વની ભુમિકા છે

ભુજ ખાતે સંમેલનમાં પ્રસુતા માતાના શૂન્ય મૃત્યુ દરનો સંકલ્પ લેતી આશા બહેનો

ભુજ,તા.૧૭: ભુજ ખાતે જિલ્લા પંચાયતનાં આરોગ્ય શાખા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું આશા વર્કર બહેનોનું આશા સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં રાજયનાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આશાવર્કર બહેનોની કામગીરી બિરદાવતાં જણાવ્યું કે, રાજય સરકારની આરોગ્યલક્ષી સેવાઓ રાજયનાં દરેક લાભાર્થીને પહોંચાડવાનું ભગીરથ કાર્ય આશા વર્કર બહેનો ખુબજ જવાબદારીપૂર્વક નિભાવી રહી છે.

ગરીબ પરિવારો માટે આર્શિવાદરૂપ રાજય સરકારની મા અમૃતમ યોજનાના લાભ આજે અનેક લાભાર્થીઓ લઇ રહયા છે. જેમાં આશા બહેનોનો સહકાર ખુબજ મહત્વનો સાબિત થયો છે. ઓએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિકરીઓનો મૃત્યુ આંક દ્યટાડવા ખુબજ પ્રયત્નો કર્યા અને દિકરી મૃત્યુ આંક દ્યટાડી શકાયો હતો. મંત્રીશ્રીએ આ તકે આશા બહેનો દ્વારા રજુ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આરોગ્ય થીમ પર ભજવાયેલ નાટકની પ્રસ્તૃતિ બદલ આશા વર્કર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સમાજને તંદુરસ્ત બનાવવાની સુંદર કડીરૂપ કામગીરી બદલ આશાવર્કર બહેનોને અભિનંદન આપ્યા હતા અને આશા બહેનોની કામગીરીને બિરદાવી હતી.

ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આશા બહેનો જે કામ કરે છે તે નોકરી નથી પરંતુ સેવા છે. તેઓએ જણાવ્યું કે, આશા બહેનો પાસેથી આરોગ્ય વિભાગને ખુબજ મોટી આશા છે કે આશા બહેનો પોતાની ફરજ પ્રત્યે પુરેપુરી સમજ ધરાવે અને એના દ્વારા આરોગ્ય સેવાઓ છેક છેવાડાનાં નાગરિક સુધી પહોંચે.

ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આશાવર્કર બહેનો પોતપોતાના વિસ્તાર દરેકને મદદરૂપ થઇને સેવાનું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

     આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીએ જિલ્લામાં પ્રસુતા માતા મૃત્યુ દર શૂન્ય કરવાનો સંમેલનમાં ઉપસ્થિત આશા વર્કર બહેનો પાસે સંકલ્પ લેવડાવ્યો.

આ પ્રસંગે મુખ્યઅતિથિ તરીકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિયતીબેન પોકાર, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ આહિર, માંડવી તાલુકા પંચાયતના અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, ભુજ નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કન્નર તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:10 am IST)