Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

જવાને ફરજ પર પરત ફરવાની વાત કરતા પત્નિની આત્મહત્યા

પુલવામાં હુમલા બાદ ભયભીત પત્નિનો આપઘાત : પત્નિએ પતિને ફરજ પર ન જવા સમજાવ્યું ત્યારે જાંબાઝ જવાને પત્નીને સમજાવવાના પ્રયાસો કર્યા પણ નિષ્ફળતા

અમદાવાદ,તા.૧૭ : હાલમાં દેશ આખો પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં લશ્કરના એક જવાનની પત્નીએ પતિની લશ્કરની ફરજમાં તૈનાત થવાની ચિંતામાં આત્મહત્યા કરી ેલેવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. દેશની સુરક્ષા માટે ફરજ પર જવા માટે જઇ રહેલા આર્મીમેન પતિને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પતિએ તેને સમજાવતાં જણાવ્યું કે, આ દેશની સુરક્ષાનો સવાલ છે મારે ફરજ પર જવું જ પડે. પતિની આ વાત સાંભળી અને ખાસ કરીને પુલવામાં તાજેતરના આત્મઘાતી હુમલાને લઇ ચિંતામાં ગરકાવ બનેલી પત્નીએ હતાશામાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આર્મી જવાનની પત્નીએ આપઘાત કરી લીધો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પતિ ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોઈ તેમની રજા પુરી થતા ફરજ પર જવાનું હોઇ પત્ની મીનાક્ષીબા જેઠવા પુલવામાંના આંતકવાદી હુમલાથી ગભરાઈ ગયા હોય પતિને ફરજ પર નહી જવા માટે વિનંતી કરી હતી. જો કે, ફૌજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે તેવી વાત કરતા પત્નીએ પતિની ચિંતામાં ખાસ કરીને તાજેતરના પુલવામામાં જવાનો પર આત્મઘાતી હુમલાને લઇ હતાશામાં  આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સ્થાનિક ખંભાળિયા પોલીસ દ્વારા જવાનની પત્નીના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધારે જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની પત્ની ગભરાઇ ગયા હતા અને ચિંતામાં સરી પડયા હતા. ગુજરાત સહિત દેશના અન્ય જવાનોના પરિવારોમાં પણ ચિંતાનો કંઇક આવો જ ઓછાયો પ્રવર્તતો હોઇ સમગ્ર દેશવાસીઓ લશ્કરી જવાનોની પડખે ઉભા રહી તેમનો જુસ્સો વધારી રહ્યા છે.

 

(9:32 pm IST)