Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આટકોટમાં સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણીક સંકુલમાં પેવર બેગ બનાવવાનો રેકોર્ડ

 આટકોટ : સુપિરીયર પોર્ટલ એજયુકેશન નેટવર્ક દ્વારા સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાલય, શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યા મંદિર, શાંતિ નિકેતન સ્કુલ અને પ્લે હાઉસ, વિદ્યાનિકેતન સ્કુલ અને પ્લે હાઉસ તેમજ શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા પ્રદુષણ મુકત ભારત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેપર બેગ બનાવી 'ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' અને 'વજ્ર વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.' પ્લે હાઉસથી કોલેજ સુધીનાં અંદાજીત ર૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અને તેમના સ્ટાફગણ દ્વારા સમાજમાં સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ લાવી શકાય તેમજ દરેક બાળકોમાં સ્વચ્છતા અંગેની સમજણ  કેળવી સારા સંસ્કારોનું સિંચન કરી શકાય તે હેતુથી વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા સ્વચ્છતા જાગૃતિનાં સ્લોગન અને લોગો સાથેની અંદાજીત રપ૦૦૦ થી ૩૦૦૦૦ બેગ બનાવીને સમાજને સ્વચ્છ બનાવવા તેમજ પ્રદુષણ મુકત બનાવવાની થીમ સાથે કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. કાર્યક્રમની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન સંસ્થાનાં ડીરેકટર કમલેશભાઇ હીરપરા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ. સાથો સાથ વિશ્વની સૌથી મોટી 'હયુમન બેગ' બનાવી હતી. 'ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' અને 'વજ્ર વર્લ્ડ રેકોર્ડ' નાં કો-ઓર્ડીનેટર મોન્ટુભાઇ ચડોતરા સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહી નોંધ લીધેલ હતી. સાથો સાથ અમારા આમંત્રણને માન આપી જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રતિનિધી ભાવેશભાઇ વેકરીયા, ભુપતભાઇ કેરાળીયા તેમજ વિવિધ સ્કુલનાં સંચાલકો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમનાં અંત પહેલા 'ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' અને 'વજ્ર વર્લ્ડ રેકોર્ડ' દ્વારા સર્ટીફીકેટ અને મેડલ અપાયા હતાં. સંસ્થાના ડીરેકટર કમલેશભાઇ હીરપરાનાં માર્ગદર્શન હેઠળ ડીવીઝન હેડ તેમજ સ્ટાફગણ અને સમગ્ર વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. (પ-૪)

(10:59 am IST)