Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

કચ્છમાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, એક મહિનામાં ૧૪૦૦૦ લોકોને અપાશે કોરોના સામેની રસી

મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આપણા આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણઃ રાજયમંત્રી વાસણભાઇ આહિર

ભુજ :  વૈશ્વિક મહામારી કોરોના વિરુધ્ધ વિશ્વનાં સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ૧૦ કોરોના વોરિયર્સને વેક્સિન આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં આત્મનિર્ભરતાની પ્રતિતી કરાવતી સ્વદેશી વેક્સિન તૈયાર કરવામાં આવી છે. જેના પ્રથમ તબકકામાં ૩ કરોડ ફ્રન્ટલાઇન હેલ્થવર્કરો એવા તબીબો અને હેલ્થ વર્કસને વેક્સિન આપવામાં આવશે જેમાં કચ્છમાં કુલ ૫ સેન્ટર્સ, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ તથા ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, અને માંડવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે રોજના ૧૦૦ મળીને કુલ ૫૦૦ એમ ૨૮ દિવસ સુધીમાં ૧૪૦૯૫ લોકોને વેક્સિન આપવામાં આવશે. જે અંતર્ગત આ મહાઅભિયાનનો પ્રારંભ કરતા જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ૫ તબીબ અને ૫ હેલ્થવર્કર એમ ૧૦ લોકોને વેકિશન આપવામાં આવી હતી.
આ સમારોહમાં ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ મેડ ઈન ઈન્ડિયા વેક્સિનને આપણા આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવતું-જાગતું ઉદાહરણ ગણાવ્યું હતું. તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારની આ શ્રેષ્ઠતમ કામગીરી માટે સરાહના કરી હતી.
    . આ ઉપરાંત કર્મયોગી એવા કોરોના વોરિયર્સ કે જેમના થકી આવી વિકટ પરિસ્થિતિમાં પણ સંયમ રાખીને આપણે કોરોના મહામારીનો સામનો કરી શકયા તેવા તમામ કોરોના વોરિયર્સને કોટિ-કોટિ વંદન અર્પિત કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કોરોના વોરિયર્સને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપી સમાજ તેમનું ઋણ અદા કરી રહયું છે. આ ઉપરાંત જયારે તબીબો અને હેલ્થવર્કર્સ જયારે આવી વેક્સિન પ્રથમ લઇ સમાજમાં દાખલો બેસાડે છે ત્યારે સમાજના લોકો વિશ્વાસ મૂકીને આગળ આવે છે તેથી વેક્સિન લીધેલાં ડો.સ્નેહલ વૈધ, ડો.સ્નેહલ નાણાંવટી, ડો.લોપામુદ્દા તથા અન્ય તબીબો અને હેલ્થવર્કસને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રોત્સાહન આપતાં ઉદબોધનમાં ઉપસ્થિત સૌ સામેલ થયા હતા. ત્યારબાદ રાજયની કોરોના અંગેની કામગીરીની દર્શાવતી ડોકયુમેન્ટ્રી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આટલા ટુંકાગાળામાં વેક્સિન બનાવી અને આપણને ઉપલબ્ધ થવી એ આપણાં વૈજ્ઞાનિકો, રિચર્સ, ડિપાર્ટમેન્ટલ તથા તેમાં જોડાયેલા અન્ય સ્ટાફના અથાગ પરિશ્રમ અને એકતાનું પરિણામ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એવી બિમારી છે જેમાં દર્દી સાથે સ્વજન રહી શકતા નથી ત્યારે આપણા આરોગ્ય કર્મીઓએ તેમના સ્વજન બનીને જે સેવા કરી છે તે અત્યંત પ્રસંશનીય છે.
આ તકે વેક્સિનેશન ઓફિસર  બેટી થોમસે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજય સરકારનો આભાર માન્યો હતો તે જેમણે વેક્સિન લીધી હતી એવા આઇ.એમ.એ.ના ડો.નેહલ નાણાંવટી તથા નેહલ વૈધ તથા મેડીકલ કોલેજના ડો.લોપામુદ્રા એ હર્ષ અને ગર્વની લાગણી અનુભવતા હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા અને અન્ય લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તથા આઇ.એમ.એ.ભુજના અધ્યક્ષ ડો.કૃપાલસિંહ જાડેજાએ રસી લીધી હતી તો સીવીલ સર્જન ડો.કશ્યપ બુચે પણ રસી લઇ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ રસી સંપૂર્ણ સુરક્ષિત અને ખુબ જરૂરી છે.
આ રસીકરણ મહાઅભિયાનનું સ્વાગત પ્રવચન ડો.પ્રેમકુમાર કન્નરે તથા આભારવિધિ ડો.કશ્પય બુચે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ ઓઝાએ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, આસિ.કલેકટર મનીષ ગુરવાની, કચ્છ જિલ્લાના સ્ટેટ લાયઝન ઓફિસર ડો.માઢક, ડો.ભાદરકા, ડો.હિરાણી તથા હોસ્પિટલનો અન્ય સ્ટાફ ઉપરાંત સેનાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(8:37 pm IST)