Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કર્મના અને ધર્મના સ્વરૂપનો વિચાર કરી સ્વ સ્વરૂપમાં સ્થિર થવું: પૂ.પારસમુનિ

આજે ભૂજમાં પ્રથમવાર પૂ.પારસમુનિ મ.સા.નું જાહેર પ્રવચન

રાજકોટ,તા.૧૭: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા.૧૫ના નલિયા તીર્થથી વિહાર કરી નારાયણ સરોવર- કોટેશ્વર પધાાર્યા. ત્યાં વાલારામ ધર્મશાળામાં સ્થિરતા કરી નારાયણી સરોવર પધારનાર ગોંડલ સંપ્રદાયના પ્રથમ સંત અને સમસ્ત જૈન સંતોમાં દ્વિતિય સંત  પૂ.ગુરૂદેવ છે. કચ્છ આઠ કોટિમોટી પક્ષના આચાર્ય પૂ.છોટાલાલજી સ્વામી ૩૫ વર્ષ પૂર્વે નારાયણ સરોવર પધારેલ.

ગાદીના ગામ ગોંડલનું યશસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી ચૈત્ર માસની આયંબિલ ઓળી અને વર્ષીતપના પારણા અર્થે શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંઘ- ઘાટકોપર, હિંગવાલાલેન ઉપાશ્રય મુંબઈ પધારતા શેષકાળમાં સમગ્ર કચ્છની અણદીઠેલ ભોમકા જોવા અને કચ્છ પ્રદેશની અનેક સાધના ભૂમિ જોવા, જાણવા પૂ.સદ્દગુરૂદેવ કચ્છ પધાર્યા.

તા.૨૮/૧૨ના સૂરજબારી પૂલ પાર કરી કચ્છનું રણ ઉતરી નવા કટારિયા પધાર્યા અને કચ્છમાં પ્રવેશતા જ પ્રવચનમાં રાત્રે ૧૫૦૦ સાધકોની ઉપસ્થિતિ ત્યાર બાદ ભચાઉ, ગાંધીધમ, અંજાર, ભદ્રેશ્વર, પત્રી, વાંકી, અહિંસાધામ (પ્રાગપુર), નંદી સરોવર, બિદડા હોસ્પિટલ, પૂનડી (સમર્પણ આશ્રમ), જખાણિયા- વીરાયતન, જલધારા પદ્માવતી મંદિર, બોતેર જિનાલય, માનવ મંદિર- બિદડા, માંડવી જૈન- આશ્રમ, શ્યામ કૃષ્ણવર્મા સ્મારક- માંડવી, શિવમસ્તુતીર્થ- માંડવી, માંડવી બીચ, કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંસ્થાપક પૂ.આચાર્ય દેવશ્રી દેવજી સ્વામી ગાદી ઉપાશ્રય- માંડવી, દુર્ગાપુર- નવાગામ, ગોધરા- પ્રેરણાધામ (અંબેધામ), ડોણતીર્થ, નાના રતાડિયા શ્રી પીઠ આશાપુરા, રાજડા ટેકરી, ભોજાયતીર્થ, દેઢિયા તીર્થ, શિવરાજ ભગત મોટા લાયજા, ડુમરા તીર્થ, સાંધણ તીર્થ, સુથરી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ તીર્થ, સાયરાતીર્થ, કોઠારા તીર્થ, વાંકુ થઈને જખૌતીર્થ, નલીયા તીર્થ, વડસર, હરૂડી, ખારઈ, વાયોર, બરંદા, ગુવર આદિ ગામોને સ્પર્શીને અણદીઠી ભોમકાને પાવન કરતા દેવદૂતસમ પૂ.સદ્દગુરૂદેવ નારાયણ સરોવર પધાર્યા.

નારાયણ સરોવર પર ભરતભાઈએ સેવાનો ખૂબ લાભ લીધો. નારાયણ સરોવરથી કોટેશ્વર, બી.એસ.એફ, મિલટ્રી જવાનોએ પ્રેમભાવથી સદ્દગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ને આવકાર્યા. કોટેશ્વરથી નારાયણ સરોવર થઈને કોરીયાણી રોડ થઈ પાન્ધ્રો શ્યામવર્મા નગર કોલોની પધાર્યા. જયાં વર્ષોથી લિગ્નાઈટ (કોલસો) નીકળે છે. જૈન સંત પધાર્યાની ખબર પડતા પ્રથમ તો સૌ આશ્વર્ય પામ્યા. આ ભૂમિમાં કોઈપણ જૈન સંતોનું આગમન થયુ નથી. દોઢિયાથી આગળ સ્થાનકવાસી સંત- સતીજી કયારેય જતાં નથી. નલિયા તીર્થ, તેરા તીર્થથી આગળ તાપગચ્છ કે અચલગચ્છ કે કોઈપણ જૈન સંતો કયારેય ગયા નથી જૈનોની વસ્તી જ નથી.

પૂ.સદ્દગુરૂદેવના દર્શન કરવા કે તેને જોવા ભીડ જામી સૌને એમ કે રસ્તો ભૂલ્યા છે. પણ પછી ખબર પડી કે રસ્તો નથી ભૂલ્યા પણ માર્ગ ભૂલેલા જીવન પથિકને સાચો માર્ગ બતાવવા આ ભૂમિમાં આ મહાન સંત પધાર્યા છે. પૂ.શ્રીની પ્રેરણાદયક વાણીથી પ્રેરાઈને અનેક આત્માઓએ વ્યસનનો ત્યાગ કર્યો.

પાન્ધ્રોથી દયાપર, દોલતપર થઈને કચ્છની જનતાની કુળદેવી આશાપુરામાં (માતાના મઢ) પધાર્યા. ખાટલાવાળી ભાવની, આશાપુરા મંદિર, ચાચરકુંડ આદિ દર્શનીય સ્થળો ત્યાંના કાર્યકર્તાઓએ બતાવ્યા.

માતાના મઢથી રવાપર, ઉગેડી, મથલ, કોટડા જણેદર થઈને નખત્રાણાતીર્થ પધાર્યા શ્રી સંઘે સ્વાગત કર્યુ. નખત્રાણાથી દેવપર યક્ષ  મોટા યક્ષ (જખ બોંતરો), પાર્શ્વવલ્લભ તીર્થ, મંજાળ, સમાત્રા, દેશલપર, માનકુવા થઈને ભૂજ છ કોટિ સ્થા.જૈન સંઘ જૈનભવન પધાર્યા. ત્યાંથી તેરાપંથ ભવન ત્યાંથી કચ્છનું વિશ્વ વિખ્યાત સફેદ રણમાં પ્રાકૃતિક સૌદર્ય નિહાળવા પધારનાર પ્રથમ જૈન સંત  પૂ.સદ્દગુરૂદેવ છે. પૂ.સદ્દગુરૂદેવની ટીકા ઘણા કરે છે, પણ તેની સામે ટકી શકતા નથી.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે આજે વૃક્ષમાં અટવાયેલાએ પતંગને જોઈને દુઃખદ થયું કે એ કેવી સરસ રીતે ઉડી રહ્યો હતો. તરત એવો વિચાર આવ્યો કે હવામાં ઉડેલી પાંખ વગરની દરેક વસ્તુ કયારેક અને કયાંક તો અટવાશે.

કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. પૂ.ગુરૂદેવને એક મહંતે જણાવેલ કે જેમ દૂર દૂરથી ભ્રમર આવીને  સરોવરમાં ખીલેલા કમળનું રસપાન કરીને, સત્વ મેળવીને  ચાલ્યો જાય છે, જયારે કમળની દંડી પાસે ઉગેલા પાન ઉપર દેડકો બેસીને શેવાળ જ ખાતો રહે છે. તેમ દૂર પ્રદેશથી આપ આવીને સાધનાની સિધ્ધિઓનું રસપાન અમારી પાસેથી મેળવીને  સત્વ અને શકિતઓ પ્રાપ્ત કરી ચાલ્યા જશો.

(3:59 pm IST)