Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઉના પાસે અકસ્માતમાં એસ.ટી.ના ચેકિંગ અધિકારીઓનો ચમત્કારીક બચાવ

ઉના તા ૧૭  : તાલુકાના માઢ ગામ પાસે અમરેલી એસ.ટી. ડીવીઝનના અધિકારીની બોલેરોને ટ્રક ચાલકે હડફેટે ચઢાવતા અકસ્માતમાં ૩ થી વધુ અધિકારીઓનો ચમત્કારીક બચાવ થયેલ છે.

ઉનાથી ૧૮ કિ.મી. દુર માઢ ગામ પાસે કોડીનારથી કામ પતાવી પરત ફરતા અમરેલી એસ.ટી. ડીવીઝનના વિભાગીય નીયામકશ્રી ચારોલા તથા અન્ય અધિકારીઓ એસ.ટી. ની બોલેરો મોટર કાર (જીજે-૧૮જી-૫૨૧૩)માં લાઇન ચેકીંગમાં હોય, રોડની સાઇડમાં મોટર રાખી ઉભા હતા અને ત્યારે એક ટ્રક નંબર (જીજે-૩એ-૯૩૫૬) ના ચાલક મામદભાઇ જુમાભાઇ લાખાસેમા, રે. ઝળકા, તા. માળીયાહાટીનાવાળા એ પુરઝડપે બેદરકારીથી તેમના કબજા વાળો ટ્રક ચલાવી એસ.ટી. અધિકારીની બોલેરોને ટક્કર મારતા ૧૦૦ મીટર સુધી ઘસડાઇ હતી, તેમાં બેઠેલ ડીવીઝન અધિકારી ચોલેરા તથા ૩ થી વધુ અધિકારીનો ચમત્કારીક બચાવ થયો હતો.

આ અકસ્માતની જાણ ઉનાના એસ.ટી. ડેપો મેનેજર રાઠોડને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઉના પોલીસમાં અમરેલી એસ.ટી. ડીવીઝનના અધીકારી જેન્તીભાઇ રાજુભાઇ પાથર રે. અમરેલીવાળાએ ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરી બોલેરોમાં રૂ. ૨૫ હજારથી વધુનું નુકશાન થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(12:59 pm IST)