Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કચ્છ અને કાશ્મીરની સંસ્કૃતિનું અનોખું મિલન - હસ્તકલા અને લોક કલાકારો સાથે ફોક ફેસ્ટિવલ ભુજમાં

ભૂજ તા. ૧૭ : પ્રવાસન ક્ષેત્રે જાણીતો કચ્છ જિલ્લો હસ્તકલા તેમ જ લોક સંસ્કૃતિ માટે ગુજરાત સહિત દેશભરમાં વર્ષોથી આગવી ઓળખ ધરાવે છે. કચ્છના આ કલા વારસાને જાળવવા માટે જાણીતા ઉદ્યોગપતિ કાન્તિસેન શ્રોફ 'કાકા' અને સ્વ. ચંદાબેન શ્રોફનું અમૂલ્ય યોગદાન છે. કચ્છના કારમા દુષ્કાળમાં હજારો મહિલાઓને હસ્તકલાનું કામ આપીને પગભર કરનાર સ્વ. ચંદાબેન શ્રોફને વિશ્વભરમાં પ્રખ્યાત રોલેકસ એવોર્ડ પણ એનાયત થયો હતો. શ્રોફ પરિવારની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની આ પરંપરા તેમના પરિવારના દીપેશભાઈ શ્રોફ તેમ જ અમીબેન શ્રોફ દ્વારા આગળ ધપાવાઈ રહી છે. ભુજ નજીક આવેલ પદ્ઘર, અજરખપુર ગામ નજીક કચ્છી હસ્તકલા વિશેની સમજ આપતું અનોખું મ્યુઝિયમ શ્રુજન એલએલડીસી બનાવાયું છે. અહીં આગામી ૧૯થી ૨૩ જાન્યુઆરી સુધી ૫ દિવસ માટે કાશ્મીરની હસ્તકલા અને લોક સંસ્કૃતિ સાથે કચ્છની હસ્તકલા અને લોક સંસ્કૃતિનો અનોખો સમન્વય થશે.

એલએલડીસીના વ્યવસ્થાપક મહેશ ગોસ્વામી કહે છે કે, આ ફોક ફેસ્ટિવલમાં કાશ્મીરની હસ્તકલા, લોક સંસ્કૃતિ ઉપરાંત કાશ્મીરી નાસ્તાનો ટેસ્ટ પણ માણવા મળશે. પાંચ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં લોકનૃત્યો, સંગીત, નાટ્ય શો યોજાશે. તો, કાશ્મીરની વિવિધ હસ્તકલાની ચીજ વસ્તુઓ તેમ જ કચ્છી હસ્તકલાની વસ્તુઓ સીધી જ કલાકારો પાસેથી ખરીદી શકાશે. આ પહેલા ગુજરાત તેમ જ પૂર્વોત્ત્।ર (નોર્થ ઇસ્ટ)ના રાજયોનો ફોક ફેસ્ટિવલ સફળતાપૂર્વક યોજાઈ ચુકયા છે, આ ત્રીજો ફોક ફેસ્ટિવલ છે. જોકે, કચ્છના પ્રવાસ દરમ્યાન કચ્છની હસ્તકલા વિશે જાણવા માંગતા પ્રવાસીઓએ એક વખત એલએલડીસી (લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર)ની  મુલાકાત લેવા જેવી છે.ઙ્ગ

આ ફોક ફેસ્ટિવલમાં જમ્મુ કાશ્મીરના ૧૩૫ કલાકારો પોતાની કલાનું કૌવત દર્શાવશે, જેમાં ઝૂલેખા ફ્રીડ અને રાજીવ સલોત્રા ગ્રુપ તો કચ્છના મુરાલાલા, મઝહરુદ્દીન મુતવા કલાવારસો સંસ્થા સંગાથે લોકસંગીત રજૂ કરશે. કાશ્મીરના કુદ નૃત્ય, પહાડી નૃત્ય, રોઉફ નૃત્ય, ડોંગરી નૃત્ય કચ્છના સીદી ધમાલ, ગરબા સહિતના નૃત્યો રજૂ થશે. કેન્દ્ર સરકારના નોર્થ ઝોન અને વેસ્ટ કલ્ચર સેન્ટર,ઙ્ગ જમ્મુ કાશ્મીર ટુરિઝમ ઉપરાંત જમ્મુ કાશ્મીર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ ડિપાર્ટમેન્ટનો સહકાર મળ્યો છે. તો, કચ્છના વિવિધ ઉદ્યોગગૃહો પણ આયોજન માટે આર્થિક સહયોગી બન્યા છે. વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશના અલગ અલગ રાજયોના કલાકારો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાતા ફોક ફેસ્ટિવલને નિહાળવા કચ્છના શહેરી તેમ જ ગ્રામીણ લોકો પણ વિશાળ સંખ્યામાં ઉમટે છે.

(11:38 am IST)