Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વિજયભાઇ ચોરવાડમાં: ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની મુલાકાતે

રેસ્ટ હાઉસનું લોકાર્પણઃ વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન-સહાય અર્પણઃ સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત

ચોરવાડમાં વિજયભાઇ રૂપાણીના હસ્તે સહાય વિતરણઃ જુનાગઢ : જીલ્લાનાં ચોરવાડ ખાતે આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા સરકારશ્રીની યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ તકે રાજયમંત્રી જવાહરભાઇ ચાવડા, ગિરીશભાઇ કોટેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ :.. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ચોરવાડમાં છે તેઓ ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની મુલાકાત અને અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી આજે બપોરે દેશનાં ઉદ્યોગ માંધાતા સ્વ. ધીરૂભાઇ અંબાણીનાં માદરે વતન ચોરવાડનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસ તેમજ મેડીકલ અને કોમ્પ્યુટર કોચીંગ સેન્ટરની મુલાકાત લેશે.

ઉપરાંત શ્રી રૂપાણી રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરશે અને જે. એમ. વિનય મંદિર શાળા ચોરવાડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો સાધન સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ તકે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પરિમલભાઇ નથવાણી સહિતનાં મહાનુભાવો હાજરી આપશે.

અંબાણી પરિવારનાં મોભી કોકિલાબેન અંબાણી અને પરિમલભાઇ નથવાણીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી સ્વ. ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસ અને મેડીકલ સેન્ટર નિહાળશે.

સ્વ. ધીરૂભાઇ અંબાણી તેમજ ઉદ્યોગપતિ સ્વ. વિરેન શાહનાં માદરે વતન ચોરવાડમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી પધારતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ - ઉમંગ પ્રવર્તે છે.

ચોરવાડનાં પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીને કોઇ અગવડતાનો સામનો કરવો પડે નહિ તે માટે કલેકટર ડો. સૌરભ પારથી સહિતનાં અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે.

ચોરવાડની મુલાકાત વખતે શ્રી રૂપાણીની સુરક્ષા તેમજ ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ડીઆઇજી મનીદર પ્રતાપસિંહ  પવારનાં માર્ગદર્શન સાથે  એસપી સૌરભ સિંઘ દ્વારા ચુસ્ત અને જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જેમાં જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિત પાંચ નાયબ પોલીસ અધિક્ષક ઉપરાંત ૧૧ પીઆઇ, ર૦ પીએસઆઇ અને ૩૦૦ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રી તા.૧૭મીએ ચોરવાડમાં સૌ પ્રથમ ધીરૂભાઈ અંબાણી મેમોરિયલ અને મેડિકલ સેન્ટર નિહાળી કોકિલા ધીરજ ધામનું મંગલાચરણ કરશે, સવારે ૧૨.૩૦ કલાકે આ કાર્યક્રમમાં પ્રવાસન અને મત્સ્યધોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, શ્રીમતી કોકિલાબેન અંબાણી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજયસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી,સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.  

મુખ્યમંત્રીશ્રી અંબાણી પરિવારના કાર્યક્રમ બાદ બપોરે ૨ કલાકે જિલ્લા વહીવટી તંત્ર,જુનાગઢ,આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સમાજ કલ્યાણ વિભાગ સહિતની સંકલિત કચેરીઓના સહયોગથી ચોરવાડમાં શ્રી જે. એમ. વિનય મંદિર ખાતે  મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરશે. બાદમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન-સહાય વિતરણ  મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પશુપાલન એકમ સ્થાપના સહાયયોજના,વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય,દિવ્યાંગ લગ્ન સહાય,દિવ્યાંગ સાધન સહાય,ખેલ મહાકુંભ પ્રોત્સાહન યોજનાના ખેલાડીઓને ઈનામ વિતરણ,દીકરી યોજના,કસ્તુરબા સહાય સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરણ કરાશે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી ઉપરાંત જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૭/૧/૨૦૨૦ના રોજ ચોરવાડમાં વિવિધ કાર્યક્રમ યોજાવાના છે. આ કાર્યક્રમોની જિલ્લા તંત્ર દ્વારા કલેકટર ડો. સૌરભ પારદ્યીના માર્ગદર્શન તળે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રી ચોરવાડમાં ધીરૂભાઈ અંબાણીના મેમોરિયલ સેન્ટર ખાતે મુલાકાત લઇ 'કોકિલા ધીરજ ધામ' નું ઉદઘાટન કરવાના છે. આ સેન્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં અંબાણી પરિવાર, સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોરવાડમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાવાનો છે. આ ઉપરાંત લાભાર્થીઓને સાધન વિતરણ સમારોહ માટે જિલ્લા તંત્રને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(3:55 pm IST)