Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જામનગર જિ.માં પોલીયો અભિયાન અંતર્ગત રવિવારે ૮૫ હજાર બાળકોને ટીપા પીવડાવાશે

૯૦૮ ટીમો દ્વારા ઝુંબેશ હાથ ધરાશેઃ ૧૦૭ સુપરવાઇઝરે નિરીક્ષણ કરશે

જામનગર તા.૧૭: આગામી રવિવારે ૧૯ જાન્યુઆરીના રોજ પ્લસ પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર નિમિતે જામનગર જીલ્લામાં ૦ થી ૫ વર્ષના અંદાજે ૮૫૬૫૫ જેટલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આયોજન કરેલ છે.

પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત જામનગર જીલ્લામાં કુલ ૬૨૭ જેટલા પોલીયો બુથનું આયોજન કરેલ છે અને તા.૧૯ના રોજ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ બાકી રહી ગયેલ બાળકોને પોલીયો પીવડાવવા માટે તા.૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ બે દિવસ ૯૦૮ ટીમો દ્વારા ઘરે ઘરે મુલાકાત કરીને પોલીયો ટીપા પીવડાવાશે.

અંતરિયાળ વિસ્તારોમાં વસતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ૩૩૭ મોબાઇલ ટીમો, તેમજ મુસાફરી કરતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ૨૫ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે કાર્યક્રમને પહોંચી વળવા જીલ્લાના કર્મચારી, આશા બહેનો, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો સહીત કુલ ૨૫૪૩ને પોલીયો કામગીરી સોપી છે તેમજ સુપરવિઝન માટે ૧૦૭ સુપરવાઇઝરને જવાબદારી સોપાઇ છે.

જામનગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જી.બથવાર દ્વારા તમામ બાળકોના વાલીઓને અપીલ કરેલ છે કે ચાલુ વર્ષમાં સરકારમાંથી પલ્સ પોલીયોનું એક જ રાઉન્ડનું આયોજન કરેલ હોય જેથી તમામ ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલીયો રવિવારે નજીકના પોલીયો બુથ પર જઇને પોલીયોના ટીપા પીવડાવો અને પોલીયો સામે રક્ષણ અપાવો તેમ યાદીમાં જણાવ્યું છે.

(11:31 am IST)