Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કાલથી વિરપુરમાં પૂ. મોરારીબાપુની રામકથાઃ મહિલાઓ દ્વારા ભજન-કિર્તનનું ગાયન કરીને કથા સ્થળે જુવારા સુશોભિત કરાશે

પૂ. જલારામબાપાએ ૨૦ વર્ષની ઉંમરે શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્રને ૨૦૦ વર્ષ પૂર્ણ થશેઃ ભાવિકોમાં અનેરો ઉત્સાહઃ 'જલા સો અલ્લા' સૂત્રને સાર્થક કરીને વિરપુરમાં મુસ્લિમ સમાજ પણ દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા આપશેઃ ગામેગામથી સ્વયંસેવકો ઉમટ્યાઃ રસોડામાં ધમધમાટ

વિરપુર-જલારામઃ વિરપુરમાં પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરવામાં આવેલ સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રીરામકથાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જુદા જુદા વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ કિશન મોરબીયા-વિરપુર-જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર, તા. ૧૭ :. પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરવામાં આવેલ અન્નક્ષેત્રને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તા. ૧૮ને શનિવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૮ને શનિવારે સાંજે ૪ વાગ્યે શ્રીરામકથાનો દિપપ્રાગટય સાથે પ્રારંભ થશે અને ૯ દિવસ સુધી પૂ. જલારામબાપાના ગુણગાન સાથે રામનામનું રટણ થશે.

જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના સૂત્રને સાર્થક કરનાર પૂજય સંત શિરોમણી જલારામબાપા એ શરૂ કરેલા સદાવ્રતના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા જલીયાણધામમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત ઝુંપડી જયાં પૂ. જલારામબાપાની જયાં થાય સેવાના કામ એવા વીરપુર ગામમાં આજથી ૨૦૦ વર્ષ પહેલાં પૂજય જલારામ બાપાએ ૨૦ વર્ષની ઉંમરે સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું,અમરેલીના ફતેપુર ગામના પૂજય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમ સંવત ૧૮૭૬માં મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે.

આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૬માં એટલે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવવામાં આવનાર છે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારિબાપુની રામ કથા ઉપરાંત અન્ય ઘણા ભકિતભાવ પૂર્ણ ધ્યાનાકષક કાર્યક્રમો પણ યોજવામાં આવશે સાથે પૂજય બાપાના પરિવારજનો દ્વારા વીરપુરમાં ઘેરઘેર જઈને વીરપુરની તમામ જ્ઞાતિ, સમાજના લોકોને પૂજય જલારામ બાપાના દ્વિશતાબ્દી મહોત્સવનું નિમંત્રણ પાઠવ્યા છે, વીરપુરમાં જાણે અનેરો ઉત્સાહ જોવા મળે છે.

વીરપુરના લોકો પણ આ દ્વિશતાબ્દી મહોત્સવને ઉજવવા પૂજય જલારામ બાપાની ભકિતના રંગે રંગાયા છે, વીરપુરના તમામ જ્ઞાતિની મહિલાઓ દ્વારા પૂજય મોરારીબાપુની રામ કથા માટે હિન્દુધર્મમાં જુવારા એક શુભ કાર્ય માટે પ્રતીક ગણાય છે તે જુવારા પોતાના દ્યરે દ્યરે વાવીને તમામ મહિલાઓ દ્વારા તે જુવારા લઈને પૂજય જલારામબાપાના ભજન,કીર્તન ગાતા ગાતાઙ્ગ પૂજય મોરારીબાપુની રામ કથા જે સ્થળ પર યોજવનાર છે ત્યાં તે જુવારા થઈ સુશોભિત કરશે.

વીરપુરના તમામ સમાજના લોકો સ્વયમ જ સ્વયંસેવક બની રામ કથા સાંભળવા માટે આવેલા શ્રદ્ઘાળુઓ માટે પ્રસાદ કેન્દ્રમાં ભોજન પીરસસે. જયાંરે 'જલા સો અલા'ના સૂત્રને સાર્થક કરી વીરપુરનો મુસ્લિમ સમાજ પણ આ દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા આપશે.

વીરપુરમાં પૂજય જલારામબાપાએ કરેલા સદાવ્રત અન્નક્ષેત્રના ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીરપુરની બજારોમાં ધજા પતાકા અને રોશની થઈ ડેકોરેશન કરવામાં આવી છે,પૂજયઙ્ગ જલારામ બાપાના વીરપુરમાં જાણે અત્યારથી જ આ મહોત્સવ ઉજવવા જલારામ ભકતો તેમજ વીરપુરવાસીઓ થનગની રહ્યા છે.(૨-૨)

 

(10:02 am IST)