Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ

ભરૂડી ટોલનાકા પર બબાલને લઇ મામલો ગરમાયો : કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટોલ કર્મીઓને લાંબી લાઇન કલીયર કરાવવા માટે ટકોર કરી હતી : ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી

અમદાવાદ,તા. ૧૬ : ગોંડલના રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ભરૂડી ટોલ પ્લાઝા પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી. જેના કારણે માથાકુટ થઇ હતી. આ બબાલને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે થયેલી માથાકૂટને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા હતા, જેને લઇ કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લઇ ટોલબુથના અધિકારીઓના બેજવાબદાર વલણની પણ ભારે ટીકા કરી હતી.

         ઉલ્લેખનીય છે કે, રાજયના વિવિધ ટોલબુથ પર ટોલ કર્મચારીઓની દાદાગીરી અને વાહનચાલકો સાથે અસભ્યતાભર્યા વર્તનના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતાં રહે છે ત્યારે રાજય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરી ટોલબુથ સત્તાવાળાઓ અને તેમના કર્મચારીઓને કડકાઇથી તાકીદ કરી સભ્યતાપૂર્વક વર્તન કરવા અને વાહનચાલકો સાથે સંયમતાપૂર્વક વર્તવાની શીખ આપવી જોઇએ. જો તેમછતાં આ પ્રકારનું બેહૂદુ વર્તન કરે તેવા ટોલ કર્મચારીઓ કે અધિકારીઓ સામે કાયદાનુસાર કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ તેવી પણ કેટલાક જાગૃત નાગરિકોએ લાગણી વ્યકત કરી હતી.

(10:08 pm IST)