Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પોરબંદર પાલિકામાં ટી.પી. કમીટીના ર૩૩ ઠરાવો સામે કલેકટરનો મનાઇ હુકમ

કોંગ્રેસે કલેકટરને ટાઉન પ્લાનીંગ કમીટીમાં ગેરકાયદે રીતે ઠરાવો થતા હોવાની કરેલી રજૂઆત સફળ

પોરબંદર, તા. ૧૭ : અત્રેની નગર પાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટી દ્વારા ગેરકાયદે રીતે ઠરાવો કરી ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટરને થઇ હતી જે અન્વયે કલેકટર ટી.પી. કમીટીના ર૩૩ જેટલા ઠરાવો સામે મનાઇ હુકમ ફરમાવતા બળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગેની વિગતો મુજબ પોરબંદર નગરપાલિકાના તા. ૯ જાન્યુઆરીએ મળેલી ટી.પી. કમીટીમાં ર૩૯ જેટલા પ્રકરણો મંજૂરી અર્થે મૂકાયા હતા, જેમાં રેસીડેન્સીયલ-કોમર્શીયલ તથા બિનખેતી બાંધકામો હેતુવાળા પ્રકરણો મંજુરી માટે રજૂ થયેલ. આ ર૩૯ પકી ૪ પ્રકરણો પેન્ડીંગ તથા ર બિનખેતી સિવાયના બાકીના ર૩૩ બાંધકામોને મંજૂરી અપાઇ હતી.

દરમિયાન શહેર કોંગ્રેસે ગઇ તા. ૧પના રોજ કલેકટરને રજૂઆત કરી અને રજૂઆતમાં આક્ષેપો કર્યા હતાં કે 'નગરપાલિકાની ઉકત મળેલી ટી.પી. કમીટીએ કરેલા ઠરાવોની ગેરકાયદે રીતે મંજૂરી અપાઇ છે.' આ તમામ પ્રકરણોમાં ગુજરાત ટી.પી. એકટની કલમ (૬) (ડી) હેઠળ નિયમો નેવે મૂકી ભ્રષ્ટાચારના ઇરાદે મંજૂરી અપાયાના આક્ષેપો સાથે કલેકટરને રજૂઆત થયેલ.

આ રજુઆત અન્વયે કલેકટર મુકેશ પંડયાએ ચીફ ઓફીસની ઉકત દરખાસ્તો ચકાસી અને નિયમાનુસાર મંજૂરી આપવા અસહમતી દર્શાવી ટી.પી. કમીટીએ બુહમતીના જોરે મંજૂર કરેલ. ર૩૩ ઠરાવો સામે કામચલાઉ ધોરણે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા પ્રકરણોમાં હાઇકોર્ટના મનાઇ હુકમો આપેલા છે. એટલુ જ નહીં બાંધકામોના મંજૂરીમાં સી.એ. કોડ તથા આર્કિયોલોજીના નિયમોનો પણ ઉલાળીયો થઇ રહ્યાનું ચર્ચાય છે. ત્યારે કલેકટરે આપેલા આ મનાઇ હુકમની ટી.પી.ના ભ્રષ્ટાચાર પર લગામ આવશે.

(3:52 pm IST)