Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાંકાનેર તપગચ્છ જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજનનો લાભ મુંબઈના જૈન પરિવારે લીધોઃ જીવદયા ભંડોળ પાંજરાપોળને અર્પણ

 વાંકાનેર, તા. ૧૭ :. સિદ્ધચક્ર મહાયંત્રનું પૂજન મનની શાંતિ, એકાગ્રતા, સંસારથી મુકિત અને સિદ્ધિપદ આપે છે. સાંસારિક યશ અને કિર્તી તથા ભૌતિક સુખ-સામગ્રી પણ સિદ્ધચક્રની આરાધનાથી પ્રાપ્ત થાય છે. જૈન શાસનમાં સિદ્ધચક્ર પૂજનમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપના નવપદ સાથે લબ્ધિ, વિદ્યાદેવી, નવગ્રહ, દશ દિક્પાલ અને નવનિધિનું પૂજન થાય છે. સિદ્ધચક્ર મહાપૂજન કરીને શ્રીપાલરાજા તથા રાણીચયણાસુંદરી અમરત્વ પામ્યા છે.

વાંકાનેરના વતની હાલ ભાઈદર (મુંબઈ) રહેતા શ્રી બેચરદાસ ડુંગરશી દોશી પરિવારના સભ્યો તથા સગા-વ્હાલા સહિત ૯૦ જેટલા મહેમાનોએ મુંબઈથી આવી શ્રી વાંકાનેર તપગચ્છ જૈન સંઘમાં આવું ભવ્ય સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવાનો લાભ લીધો હતો.

પહેલા અરિહંત પદ પૂજનથી શરૂ કરી ૨૧ જુદા જુદા પૂજન, પાંચ અભિષેક, અષ્ટપ્રકારી પૂજા, ૧૦૮ દીવાની આરતી, મંગળદિવો અને શાંતિકળશ સાથે પાંચ કલાક ચાલેલા આ મહાપૂજનનો લાભ ૭૦૦ જેટલા જૈનોએ લીધો હતો. આ પ્રસંગે સ્વામિવાત્સલ્ય જમણ પણ યોજાયુ હતું.

સાધર્મિકોનું બહુમાન અને ઉત્કૃષ્ઠ આત્માઓ એવા ભાવિ અરિહંત, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોરૂપ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓને કુમકુમ તિલક તથા પ્રભાવના આપી કરવામાં આવતું પૂજન એટલે સંઘપૂજન. આવું ઉત્કૃષ્ઠ સંઘપૂજન ૭૦૦ જેટલા હાજર દરેક શ્રાવકો-શ્રાવિકાઓનું કરવામાં આવ્યુ હતું.

મુંબઈથી દોશી પરિવારના રજનીભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ, નવિનભાઈ તથા પંકજભાઈ દોશી, કુટુંબીજનો, મોરબી જૈન સંઘના પ્રમુખ નવિનભાઈ, વાંકાનેરના પ્રમુખ પ્રવિણભાઈ દોશી, સેક્રેટરી રાજુભાઈ મહેતા, મુકુંદભાઈ દોશી, લલિતભાઈ મહેતા તથા જૈન યુવક મંડળના યુવાનો તથા મહિલા મંડળના બહેનોએ આ મહાપૂજનમાં ભકિતભાવપૂર્વક ભાગ લઈ સૌ મહેમાનોને તથા દોશી કુટુંબને આ લાભ લેવા બદલ બિરદાવ્યા હતા. તેમજ દર વર્ષે જૈન પંચાગ બહાર પાડી હજારો જૈનોને, જૈન તિર્થો, જૈન સિદ્ધાંતો તથા જૈન આચાર વિશે વિસ્તૃત માહિતી મળે છે તેની નોંધ લેવાઈ હતી.

મહાપૂજન પ્રસંગે 'જીવદયા' ભંડોળની ટહેલને સૌ એ આવકારી, રૂપિયા ૫૦,૦૦૦ જેટલું ભંડોળ શ્રી વાંકાનેર પાંજરાપોળને અર્પણ કર્યુ હતું. (૨-૪)

 

(11:40 am IST)