Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નવા સુદામડા પાસે કલીનરની હત્યા કરનાર ડ્રાઇવરને ઝડપી લેતી સાયલા પોલીસ

સુરેન્દ્રનગર તા. ૧૭ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાં નવા સુદામડા ગામ પાસે પ્રજાપતિ હોટલની નજીકમાં કચ્છ ખાતેથી લીગ્નાઇટ ભરીને ટ્રક નંબર GJ-12AW-4947 માં નીકળેલા ડ્રાઈવર નામોરી ઉર્ફે હીરાભાઈ મીઠુભાઇ મહેશ્વરી અને કલીનર લાલજીભાઈ લાધાભાઈ નોરિયાને ટ્રકનું ટાયર બદલવા બાબતે બોલાચાલી ઝદ્યડો થતા, ડ્રાઈવર ઉગ્ર થઈ, કલીનર લાલજીભાઈ લાધાભાઈ નોરિયા ઉવ. ૫૨ ને માથામાં ટોમી મારી ગંભીર ઇજા કરતા, ૧૦૮ દ્વારા કલીનરને સાયલા દવાખાને લાવવામાં આવતા, રસ્તામાં કલીનરનું મૃત્યુ થતા, મરણ જનાર કલીનરનું પીએમ કરવી, તેના પુત્ર મિતેશભાઈ લાલજીભાઈ નોરિયા મહેશ્વરી ઉ.વ. ૨૧ રહે. મહેશ્વરી વાસ, માધાપર, તા. ભૂજ જિ.કચ્છની ફરિયાદ આધારે ડ્રાઈવર નામોરી ઉર્ફે હીરાભાઈ મીઠુભાઇ મહેશ્વરી વિરુદ્ઘ ખૂનનો ગુન્હો નોંધવામાં આવેલ છે. જેની તપાસ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ સ્ટાફ સાથે સાયલા પહોંચી ગયા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ સાયલા પો.સ.ઇ. આઈ.કે.શેખ, રાઇટર લખમણભાઈ, મેહુલભાઈ, વિજયસિંહ, યોગેશભાઈ, સુરુભા, મહેશભાઈ બાર, મનીષભાઈ પટેલ, સહિતના સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ટેકનીકલ સોર્સ આધારે તપાસ હાથ ધરી, આરોપી ડ્રાઇવર નામોરી ઉર્ફે હીરાભાઈ મીઠુભાઇ મહેશ્વરી ઉવ. ૪૨ રહે. લોરિયા તા. ભુજ જી. કચ્છને ગણતરીના કલાકોમાં નેશનલ હાઇવે ઉપર ડોળીયા બોઉન્ડરી નજીકથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ડ્રાઈવર નામોરી ઉર્ફે હીરાભાઈ મીઠુભાઇ મહેશ્વરીની સાયલા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા કબુલાત આપી હતી કે, સાયલા પાસે પ્રજાપતિ હોટલ ઉપર જમવાનું પતાવી, હોટલ પાસે ટ્રકમાં ટાયર ફાટતા, ટાયર બદલાવવાનું હોઈ, ડ્રાઇવર નામોરી ઉર્ફે હિરાભાઈએ કલીનર લાલજીભાઈને ટાયર બદલાવવાનું કહેતા, બોલાચાલી થતા, કલીનર લાલજીભાઈએ આરોપી ડ્રાઈવર નામોરી ઉર્ફે હીરાભાઈને પાછા જવાનું જણાવી, રૂપિયાની માંગણી કરેલ હતી. આરોપી ડ્રાઇવરે કલીનરને અમદાવાદ ફેરો પૂરો કરીને પાછા જવાનું કહેતા, કલીનર ઉશ્કેરાઈ ગયેલ અને ગાળાગાળી કરવા લાગેલ અને કલીનર લાલજીભાઈએ ડ્રાઇવર નામોરી ઉર્ફે હિરાભાઈને મોઢા ઉપર ટિફિન મારતા, બંને વચ્ચે ઝઘડો થતા, આરોપી ડ્રાઇવરે કલીનર લાલજીભાઈ લધાભાઈને માથામાં ટોમી મારી દીધેલાની કબુલાત કરવામાં આવેલ હતી. ત્યારબાદ પસ્તાવો થતા, પોતે ચાલીને રાજકોટ તરફ જાવા નીકળેલ અને શેઠને વાત કરેલ હતી. પોતે ડોળીયા બાઉન્ડરી પાસે પહોંચતા, પોલીસે પકડેલાની અને ગુન્હામાં વાપરેલ ટોમી હાઇવે ઉપર કાંટાની વાડમાં નાખી દીધેલાની પણ કબુલાત કરેલ હતી.

સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આઈ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરી, ગુન્હામાં વાપરેલ ટોમી કબજે કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૧૫)

(12:35 pm IST)