Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગાઢ ધુમ્મસને કારણે ટંકારા-રાજકોટ હાઈવે પર આઈસર-યુટીલીટી જીપ વચ્ચે અકસ્માતઃ ૪ને ગંભીર ઈજા

આર્યન વિદ્યાલય પાસે સર્જાયેલ આ અકસ્માતના ચારેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

જીપનુ પડીયુ વળી ગયુઃ ટંકારા-રાજકોટ હાઈવે પર સર્જાયેલ આઈસર-મેટાડોર અને યુટીલીટી જીપ વચ્ચેના અકસ્માતમાં જીપનું પડીયુ વળી ગયેલુ દર્શાય છે. અન્ય તસ્વીરમાં ઈજાગ્રસ્તો તથા બચાવ કાર્ય થઈ રહેલુ દર્શાય છે (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

ટંકારા, તા. ૧૭ :. આજે સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતું જેના કારણે નાના-મોટા અકસ્માતોનો સીલસીલો સર્જાયેલ. ટંકારા-રાજકોટ હાઈવે ઉપર આજે વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસને કારણે આઈસર-મેટાડોર અને યુટીલીટી જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે ચિચિયારીથી ગુંજી ઉઠયો હતો. જો કે આ ઘટનામાં કોઈનું મોત નિપજયુ ન હતું, પરંતુ ૪ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામને રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા-રાજકોટ હાઈવે પર આર્યન વિદ્યાલય પાસે સવારે આઈસર અને યુટીલીટી વચ્ચે ગાઢ ધુમ્મસ હોવાને કારણે ધડાકાભેર અકસ્માત સર્જાયેલ. જેમા યુટીલીટી જીપનું પડીકુ વળી ગયુ હતુ. અકસ્માતની જાણ થતા જ ટંકારા પોલીસ અને ૧૦૮ની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી.

આ અકસ્માતમાં મહામુસીબતે ઘવાયેલ ડ્રાઈવરને બહાર કઢાયેલ તથા યુટીલીટીમાં ડ્રાઈવર બાજુમાં બેઠેલ વ્યકિત બહાર ફંગોળાય ગયેલ. જેમાં (૧) મનોજ કાનાભાઈ ધોળકીયા (ઉ.વ. ૪૦) (ગાંધીગ્રામ - રબારી) (૨) રાજુભાઈ બલાભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) (ધરમપુર), (૩) રાજેશ માહોર કોળી (ઉ.વ. ૨૧) (ટંકારા), (૪) છોટુ કંચનસિંહ (ઉ.વ. ૧૮) (ટંકારા) વગેરેને ઈજા પહોંચી હતી.

સૌ પ્રથમ ટંકારા મેડીકલ ઓફિસર ડો. ચીખલીયા તથા સ્ટાફ દ્વારા તાત્કાલીક સારવાર અપાયેલ અને વધુ સારવાર માટે તમામને રાજકોટ ખસેડાયા હતા.

(11:40 am IST)