Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દ્વારકા રેલ્વે સ્ટેશન માર્ગનું ૨ કરોડના ખર્ચે નવનિર્માણ

સયાજીરાવ ગાયકવાડ સર્કલનું બ્યુટીફીકેશનઃ નવા રોડના કામ અંતિમ તબક્કામાં

દ્વારકા, તા. ૧૭ :. દ્વારકા યાત્રાધામના વિકાસ માટે સાંસદ પૂનમબેન માડમએ પ્રસાદ યોજના તળે મંજુર કરાવેલ યોજનાના ભાગરૂપે ભારત સરકારના પ્રવાસન વિભાગે રૂ. બે કરોડ મંજુર કરી ૩ કિ.મી.ના આ માર્ગને નવિનીકરણ કરી લાઈટીંગ, ફુટપાથ તથા બ્યુટીફીકેશન સાથેનુ કાર્ય હાથ ધરેલ છે. દ્વારકા યાત્રાધામના મુખ્ય માર્ગો સહિતના નામ મોટા માર્ગોનું કાર્ય ચાલી રહ્યુ છે જે અંતિમ તબક્કામાં છે.

નવા વર્ષ ૨૦૧૮ના પ્રારંભે જ દ્વારકાનો આ રેલ્વે સ્ટેશનનો માર્ગ જે સ્ટેટ ગાયકવાડ સરકારના વખતમાં બનેલો હતો. તેનુ નવીનીકરણ કરીને રેલ્વે માર્ગ આવતા યાત્રિકો યાત્રાધામમાં પ્રવેશ કરે તેવા શહેરના હાર્દ સમાન આ માર્ગને સજીધજીને સુશોભન સાથેની યોજના બનાવવામાં આવી છે.

આ માર્ગ સી.સી. રોડ બનશે. જેના માટે રૂ. પંચાયસી લાખ કેન્દ્રના પ્રવાસન વિભાગે દ્વારકા નગરપાલિકાના હવાલે કર્યા છે. પાલિકાના ચીફ ઓફિસર કડીયાએ પાલિકા પ્રમુખ નિલાબેન ઉપાધ્યાય, ભાજપ શહેર પ્રમુખ પરેશ ઝાખરલા, જીતેષ માણેક અને પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે બેઠક યોજી આ વિકાસ કાર્યના ટેન્ડરો બહાર પાડયા છે અને ટૂંક સમયમાં જ માર્ગનું કાર્ય શરૂ થશે. રેલ્વે સ્ટેશનનો આ માર્ગ સીધો ઈસ્કોન ગેઈટથી પસાર થઈને દ્વારકાધીશ મંદિરને જોડતો માર્ગ છે.

ગાયકવાડ સર્કલનું પણ થશે બ્યુટીફીકેશન દ્વારકા રેલ્વે સ્ટેશનની બહાર નિકળતા જ બરોડા સ્ટેટ વખતના સમયનું સયાજીરાવ ગાયકવાડનું સર્કલ આવેલ છે. તેને પણ આ યોજના સાથે જ સાંકળી લઈને વર્ષો જૂના આ હેરીટેજ પ્રકારના સર્કલનું પણ ફુલઝાડ, લાઈટીંગ અને ખાસ વિશેષ સ્વરૂપે નવનિર્માણ થશે.

(11:30 am IST)