Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વાંકાનેરમાં ગૂમ દોઢ વર્ષનું બાળક સોશ્યલ મીડિયાની મદદથી પરત મળ્યું

ઘર પાસે રમતો મયુર હાઈવે નજીક ચાલ્યો ગયેલઃ પરપ્રાંતિય વ્યકિતને બાળક મળ્યુઃ પઢીયાર પ્રજાપતિ પરિવારને રાહત

વાંકાનેર, તા. ૧૭ :. ગઈકાલે બપોરે ગૂમ થયેલ દોઢ વર્ષનું બાળક સોશ્યલ મીડીયાની મદદથી પરત મળી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

નવાપરામાંથી ગઈકાલે બપોરે બારેક વાગ્યે દોઢ વર્ષનું બાળક ગૂમ થતા રાજસ્થાન તરફના પ્રજાપતિ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી અને શહેર પોલીસમાં ફરીયાદ થતા પોલીસે પણ આઈ.પી.સી. કલમ ૩૬૫ મુજબ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી હતી.

જુદી જુદી ટીમ બનાવી પી.આઈ. રાઠોડે તપાસ આદરી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મુળ રાજસ્થાનના જાલોર અને છેલ્લા ૪૦ વર્ષથી વાંકાનેરમાં રહેતા ફરીયાદી દિનેશભાઈ રમેશભાઈ પઢીયાર પ્રજાપતિ તેમની પત્નિ અને બે બાળકો સાથે વાંકાનેરના નવાપરાના રામ મંદિર પાછળની શેરીમાં રહે છે.

ગઈકાલે પોતે ટ્રક ડ્રાઈવર હોય ટ્રક ચલાવવા ચોટીલા નોકરી કરતો હતો ત્યાં ગયેલ જ્યારે તેમની પત્નિ બાળકો વાંકાનેર હતા. બપોરના બારેક વાગ્યે દિનેશભાઈનો નાનો દોઢ વર્ષનો પુત્ર મયુર શેરીમાં રમતો હતો જ્યારે માતા ઘરમા કામ કરતી હતી. થોડીવાર બાદ માતા પુત્રને લેવા શેરીમાં આવતા મયુર કયાંય જોવા નહી મળતા માતા પૂનમબેન હાંફળી-ફાંફળી થઈ ગઈ હતી અને આસપાસમા તપાસ આદરી હતી પણ મયુરનો પત્તો નહી લાગતા ચોટીલા ગયેલા પતિને ફોન કરી જાણ કરતા તે પણ વાંકાનેર પરત દોડી આવી પાડોશીઓને સાથે રાખી ચારો તરફ શોધખોળ શરૂ કરી હતી.

સાથે સાથે પોતાનો બાળક મયુર ગુમ થયાની જાણ શહેર પોલીસમાં પણ કરી હતી જેથી પોલીસે પણ તેની શોધખોળ શરૂ કરેલ સાથે દોઢ વર્ષના મયુરના ગૂમ થયાના ફોટા સાથેના મેસેજ પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ.

આજે સવારે વાંકાનેરના હાઈવે નજીક અમરનાથ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ ગોસ્વામી સર્વિસ રોડ ઉપરથી પસાર થતા મૂળ બનારસનો અને હાલ પાડધરા પાસેની બેલાની ખાણમાં ઓરડીમાં રહેતો રામલાલ રામસ્વાગ સરગવીવાળો ઉભો હતો જેણે કિશોરભાઈને ઉભા રાખી રડતા - રડતા જણાવેલ કે તેમને ગઈકાલે બપોરે નવાપરાના હાઈવે નજીકથી એક નાનુ બાળક મળ્યુ છે.

અને તે તેના વાલીની શોધખોળ કરે છે પરંતુ તે પરપ્રાંતીય હોય વાલી મળતી નહી હોવાનું જણાવેલ ત્યારે ગઈકાલે બાળક ગુમ થયાના સોશ્યલ મીડીયા વાયરલ થયેલ મેસેજ પોતાના કિશોરભાઈ ગોસ્વામીના મોબાઈલમાં હોય તેણ્ે તે મેસેજ બનાવતા પરપ્રાંતીય વ્યકિતએ હા આજ બાળક મળ્યુ હોવાનું જણાવેલ.

કિશોરભાઈએ તેમના મિત્રો અને બાળકના પિતાને જાણ કરી હાઈવે રોડ પરની હરસિદ્ધિ હોટલ પાસે અને બધા પાડધરા ગામની બેલાની ખાણમાં ગયા હતા, જ્યાં આ પરપ્રાંતીય રામલાલની ઓરડી અને આસપાસના મજુરોની ઓરડીઓના બાળકો સાથે દોઢ વર્ષનો મયુર કિલ્લોલ કરતો રમતો જોવા મળેલ ત્યારે પિતા દિનેશભાઈ રમેશભાઈ પઢીયાર પ્રજાતિની આંખોમાંથી આંસુની ધારા વહેલા લગેલ અને પોતાના પુત્રને તેડીને ગળે લગાવી લીધો હતો.

બાળક પાડધરા પાસેથી મળી ગયાની જાણ શહેર પોલીસમાં કરતા પી.આઈ. એચ.એન. રાઠોડ સાથેનો પોલીસ સ્ટાફ પણ પાડધરા પાસે દોડી ગયેલ અને બાળક તથા રામલાલ રામસ્વાગ સરગવીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.

દોઢ વર્ષનો પુત્ર મયુર મળી આવતા માતા-પિતા અને પરિવાર સાથે આડોશી-પાડોશીમાં પણ હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા અને પોલીસે પણ નિરાંતનો શ્વાસ લીધો હતો.

ગઈકાલે મળી આવેલ બાળક માટે આજે સવારે વાંકાનેર આવી રામલાલે બાળક માટે નવા કપડા અને ફ્રુટ પણ ખવડાવવા લીધુ હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં શહેર પોલીસે તમામ પાસાઓને નજર અંદાજ કરી રામલાલની પુછપરછ હાથ ધરી છે.

(4:42 pm IST)