Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જેતપુરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા હાઉસિંગ બોર્ડની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલતદારને આવેદન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૬: શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ખુલ્લા પ્લોટ પર કોઈ શખ્સે દબાણ કરી ત્યાં ચા, ઠંડા પીણાંની કેબીન બનાવી ભવિષ્યમાં આ કેબીનનું દબાણ દૂર ન થાય તે માટે એક ધાર્મિક સ્થાનક ઉભું કરવા સામે શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દબાણ દૂર કરવાની માંગ કરી હતી.

અત્રેના નવાગઢ રેલ્વે સ્ટેશન રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન આવેલ છે. ત્યાં થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી આવાસ બનાવવાના હતા તે ખુલ્લી જગ્યા પર એક શખ્સે ઠંડા પીણાં તેમજ ચા ની એક કેબીન ઉભી કરેલ છે. અને શખ્સ પોતે હાઉસીંગ બોર્ડનો ચોકીદાર હોવાનું જણાવી આ ખુલ્લી જગ્યા પર થોડા સમય પુર્વ ઝુંપડા હતા તેની પાસેથી મહિને ૫૦૦ રૂપિયા ભાડું પણ ઉઘરાવતો હોવાના આક્ષેપ સાથે શ્રી રામ જન્મોત્સવ સમિતીએ મામલતદારને એક આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે આ શખ્સ ત્યાં તેનું દબાણ કાયમી જળવાઈ રહે તે માટે કેબીનની પાછળની ખુલ્લી જગ્યાએ એક ધાર્મિક સ્થાનકના નામનું બોર્ડ મારી એક સ્તંભ ઉભો કર્યો છે અને તેના ઉપર ધાર્મિક ઝંડો ફરકાવી દિધો છે. એટલે હાલ બાળસ્વરૂપે રહેલ દબાણ ભવિષ્યમાં વિકરાળ બને અને કોઇ મોટું ધર્મ સ્થાનકમાં પરિવર્તિત થાય અને ત્યારે તે દબાણ દુર કરવું અશકય બને તે પહેલાં આ દબાણ દુર કરવાની માંગ કરી હતી.

(1:12 pm IST)