Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હર્ષદ બંદરે સામાન્ય બાબતે મુસ્લિમ યુવાનની હત્યા

લાકડાના ધોકા વડે ઢીમ ઢાળી દેનાર શખ્સ સામે ગુનો નોંધાયોઃ હોડીને ધકકો મારવા બાબતે ઝઘડો

જામખંભાળીયા તા. ૧૬ : કલ્યાણપુર તાલુકાના ગાંઘવી ગામે આવેલા હર્ષદના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા અસગરભાઇ અબ્બાસભાઇ પટેલીયા નામના ૩૦ વર્ષના યુવાન તથા તેમના ભાઇ સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાને આ જ વિસ્તારમાં રહેતા અસગર જુસબ પટેલીયા નામના શખ્સે હોડીને ધકકો મારવાનું કહેતાં બંને ભાઇઓએ ના પાડી દીધી હતી.
આ અંગેનો ખાર રાખી આરોપી અસગર જુસબ પટેલીયાએ ઉંશ્કેરાઇને તેના હાથમાં રહેલો લાકડાનો ધોકો સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાને ઝીંકી દેતા તેમને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. પોતાના ભાઇને પડી રહેલ મારથી બચાવવા જતા તેના ભાઇ અસગરભાઇ અબ્બાસભાઇ પટેલીયા વચ્ચે પડતા આરોપી અસગર જુસબે તેને પણ લાકડું મારી દીધું હતું.
લાકડાનો આ ઘા અસગર અબ્બાસભાઇ માટે જીવલેણ સાબિત થતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઇ સદામ અબ્બાસભાઇ (ઉં.વ.૩૦) ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે અસગર જુસબ પટેલીયા સામે મનુષ્ય વઘની કલમ આઇ. પી. સી. ૩૦ર, ૩ર૩, પ૦૪ તથા જી. પી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના પી. એસ. આઇ. એફ. બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


 

(11:01 am IST)